ખાનપુર:
બાકોર પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં ખાનપુર તાલુકાના લાડણ મુવાડા પાસે પોષડોડા (અફીણ જીંડવા)નો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 428.600 કિલોગ્રામ પોષડોડા, જેની બજાર કિંમત રૂ. 64.29 લાખ થાય છે, સાથે ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂ. 84.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ સૂત્રો અનુસાર, બાકોર પોલીસ કારંટા ગામે ઉર્સ મેળાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી તે દરમિયાન પોષડોડાની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે લાડણના મુવાડા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મુજબની એક શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, કારચાલકે પોલીસની સૂચનાને અવગણી લાડણ મુવાડા ગામના સિંગલપટ્ટી રસ્તે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ખાનગી વાહનો દ્વારા પીછો કરતા ચાલકે થોડે અંતરે કાર છોડીને રાત્રીના અંધારામાં ખેતરો તરફ નાસી છૂટ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર પર નંબર પ્લેટ લગાવેલી ન હતી. કારની તલાશી લેતા તેમાં પ્લાસ્ટિકની મીણીઓમાં ભરેલા 26 થેલાઓમાંથી પોષડોડા (અફીણ જીંડવા) મળી આવ્યા હતા.
આ મામલે બાકોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી વધુ તેજ કરવાની તૈયારી દર્શાવી છે.