કોરા ચેકમાં વિગતો ભરી રિટર્ન કરાવી ફરિયાદ કર્યાનો કેસ
કાલોલ:
ખાનગી ફાયનાન્સર દ્વારા કોરા ચેકમાં પાછળથી વિગતો ભરી બે ચેક રિટર્નની ફરિયાદો કરવામાં આવી હોવાનો ગંભીર મુદ્દો હાલોલ કોર્ટમાં સાબિત થતાં આરોપીને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ કોરા ચેકના દુરુપયોગ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હાલોલ ખાતે આવેલી મારૂતિ ફાઈનાન્સના પ્રોપ્રાયટર જગદીશકુમાર અંબાલાલ પટેલે હાલોલ તાલુકાના કંજરી ગામના રહેવાસી સતીષભાઈ રણછોડભાઈ કાછીયા વિરુદ્ધ બે ફોજદારી ફરિયાદો નોંધાવી હતી. ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૦માં આરોપીને રૂ. ૧.૫૦ લાખ બે વખત, કુલ રૂ. ૩ લાખ, ૨૧ ટકા વ્યાજે ધિરાણ આપ્યું હતું. આ રકમના ચુકવણાં માટે આરોપીએ મે-૨૦૨૧ના બે ચેક આપ્યા હતા, જે અપુરતા ભંડોળના કારણે રિટર્ન થયા હતા.
આ કેસમાં આરોપી તરફે એડવોકેટ જે.બી. જોશીએ મજબૂત બચાવ રજૂ કર્યો હતો કે વર્ષ ૨૦૧૮ના જૂના વ્યવહાર સમયે ફોર્મ નં. ૧૧ પર સહી સાથે કેટલાક કોરા ચેક ફરિયાદીને આપવામાં આવ્યા હતા અને તે વ્યવહાર પૂર્ણ થઈ ગયો હતો. ત્યારબાદ આ કોરા ચેકનો દુરુપયોગ કરીને ખોટી ફરિયાદો કરવામાં આવી છે.
ચેકની સહી અને લખાણ અંગે વૈજ્ઞાનિક પુરાવા માટે ચેક એફ.એસ.એલ. ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે રકમ, પેઈનું નામ અને સહી અલગ-અલગ પેન તથા અલગ વ્યક્તિ દ્વારા લખાયેલા છે. આથી ફરિયાદી દ્વારા “આરોપીએ જાતે ચેક લખી આપ્યો” એવી હકીકત ખોટી સાબિત થઈ.
ઉલટ તપાસ દરમિયાન ફરિયાદીએ વર્ષ ૨૦૧૮માં માત્ર રૂ. ૫૦ હજાર ઉછીના આપ્યાનું અને આરોપીએ અમુક રકમ આરટિજીએસ મારફતે પરત આપ્યાનું સ્વીકાર્યું હતું. ઉપરાંત ૨૦૨૦ના કથિત ધિરાણ અંગે ડે-બુક કે બેલેન્સ શીટ રજૂ કરવા ફરિયાદી તૈયાર ન હોવાનું પણ કોર્ટના ધ્યાનમાં આવ્યું.
આ તમામ પુરાવા અને દલીલોના આધારે હાલોલના એડી ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.બી. જોશીએ બંને ચેક રિટર્ન કેસોમાં આરોપી સતીષભાઈ રણછોડભાઈ કાછીયાને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાએ કોરા ચેકના દુરુપયોગ સામે મહત્વપૂર્ણ નજિરો સ્થાપી હોવાનું કાનૂની વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.