Vadodara

ખાનગી કંપની દ્વારા મુકેલ જનરક્ષક મશીન હવે બંધ હાલતમાં



વડોદરા, તા. ૧૩,
વડોદરા શહેર ના ત્રણ સ્થળોએ ખાનગી કંપની દ્વારા મુકેલ જનરક્ષક મશીનો હવે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. થોડા સમય અગાઉ જ એક ખાનગી કંપની દ્વારા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રી બજાર પાસે, એમએસ યુનિવર્સિટી ની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની પાસે અને ભાયલી વિસ્તારમાં એમ ત્રણ સ્થળોએ આ જનરક્ષક મશીનો વડોદરા શહેરના નાગરિકોને ઈમરજન્સીના સમય મદદરૂપ થાય તે માટે મૂકવામાં આવ્યા હતા. આ જનરક્ષક મશીન દ્વારા કોઈપણ નાગરિક ઇમર્જન્સીના સમયે પોલીસ કંટ્રોલરૂમ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ નો સંપર્ક કરી શકાતો હતો. સાથે સાથે આ મશીનમાં ફાયર ઈમરજન્સી સમયે આગ ઓલવવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર બોટલ્સ પણ મૂકવામાં આવ્યા હતા. અને હાર્ટ એટેક સમય પ્રાથમિક સારવાર માટે ઉપયોગમાં લેવાતી કીટ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. જનરક્ષક મશીનો જે સમય મુકાયા ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરના મેયર સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ હવે આ જનરક્ષક મશીનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ મશીનો ફરીથી ક્યારે શરૂ થશે તે હવે જોવાનું રહેશે.

Most Popular

To Top