Vadodara

ખાદ્યતેલમાં ‘ખેલ’ અને તંત્ર ‘ફેલ’: વડોદરામાં તેલ માફિયાઓ બેફામ, પાલિકાના આશીર્વાદથી ચાલે છે કાળો કારોબાર?

ઝડપાયું કૌભાંડ: સ્ટીકરવાળા જૂના ડબ્બામાં અખાદ્ય તેલ પધરાવવાનો ગોરખધંધો ખુલ્લો પડ્યો

સબ સલામત? ફૂડ સેફ્ટી વિભાગે કડક કાર્યવાહીને બદલે નોટિસ આપી સંતોષ માનતા અનેક તર્ક-વિતર્ક

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના જૂના અને ભંગારમાં ગયેલા ડબ્બામાં સસ્તું પામોલીન અને સરસિયું તેલ મિક્સ કરી, તેને ફરીથી પેક કરીને બજારમાં વેચવાના કૌભાંડનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ગંભીર ઘટનામાં પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાની કામગીરી શંકાના દાયરામાં આવી છે, કારણ કે અધિકારીઓએ માત્ર નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક દુકાનમાં તેલના રીફીલિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. અહીં ભંગારિયાઓ જુદી-જુદી નામાંકિત બ્રાન્ડના તેલના ખાલી ડબ્બા આપી જાય છે. ત્યારબાદ, તેલનો વેપારી ટેન્કરો મારફતે સસ્તું સોયાબીન અને પામોલીન તેલ મંગાવે છે. આ વેપારી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરવાળા જૂના ડબ્બામાં હલકી કક્ષાનું મિક્સ તેલ ભરીને તેનું સીલિંગ કરી દે છે. આ બનાવટી તેલનો જથ્થો ખાસ કરીને ફરસાણ બનાવતા વેપારીઓ અને 5-10 ડબ્બાની ખરીદી કરતા નાના દુકાનદારોને પધરાવી દેવામાં આવે છે.

વાયરલ થયેલા વિડીયોમાં ચોંકાવનારી બાબત એ છે કે, કૌભાંડ આચરનાર વેપારી ખુદ કેમેરા સામે કબૂલાત કરી રહ્યો છે. તેણે સ્વીકાર્યું છે કે તે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરવાળા જૂના ડબ્બામાં પામોલીન અને સરસિયું તેલ રીફીલ કરીને વેચે છે. એટલું જ નહીં, આ માટે પાલિકા તંત્રની કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી. વેપારીએ બચાવમાં એમ પણ કહ્યું હતું કે, “શહેરના અનેક વિસ્તારોમાં અન્ય વેપારીઓ પણ આ જ રીતે રીફીલ પેક કરીને વેચે છે અને જ્યારે ફરસાણવાળા માલ માંગે ત્યારે અમે આ ડબ્બા પધરાવી દઈએ છીએ.”

લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, પાલિકાના બાબુઓના છૂપા આશીર્વાદ વિના આટલા મોટા પાયે ભેળસેળનું કૌભાંડ શક્ય જ નથી. તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને જે રીતે કૌભાંડ પર પડદો પાડવાનો પ્રયાસ થયો છે, તે જોતા ‘હપ્તા રાજ’ની ગંધ આવી રહી છે.

તંત્રની શંકાસ્પદ ભૂમિકા અને ‘આશીર્વાદ’

આ સમગ્ર પ્રકરણમાં વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

*નિયમ મુજબ, પરવાનગી વગર અને જૂના ડબ્બામાં રીફીલિંગ કરવું એ ખાદ્ય સુરક્ષાના નિયમોનો સીધો ભંગ છે.
*​આવું તેલ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
*​છતાં, ફૂડ સેફ્ટી વિભાગે આ ગોડાઉન સીલ કરવાને બદલે કે વેપારી સામે ફોજદારી રાહે પગલાં લેવાને બદલે, માત્ર “જૂના ડબ્બા નાશ કરવા અને નવા ડબ્બા વાપરવા” અંગેની નોટિસ આપીને કામગીરી પૂરી કરી દીધી છે.
*મોડસ ઓપરેન્ડી: ભંગારમાંથી બ્રાન્ડેડ ડબ્બા ખરીદવા ટેન્કરમાંથી સસ્તું તેલ મિક્સ કરવું રીફીલ કરી વેચવું.
*​ટાર્ગેટ: ફરસાણના વેપારીઓ અને નાના દુકાનદારો.
*​તંત્રની કાર્યવાહી: માત્ર નોટિસ! કોઈ સીલિંગ નહીં, કોઈ પોલીસ કેસ નહીં.

તહેવારોની સીઝન અને લગ્નસરામાં ફરસાણ અને મીઠાઈની માંગ વધતી હોય છે. ત્યારે આવા ભેળસેળિયા તેલમાંથી બનેલી વાનગીઓ ખાઈને નાગરિકો બીમારીના બિછાને પડે તેવી શક્યતા છે. પાલિકા તંત્ર આમામલે કડક કાર્યવાહી કરશે કે પછી ‘સબ સલામત’ના દાવા કરીને ભીનું સંકેલી લેશે, તે જોવું રહ્યું.

Most Popular

To Top