વડોદરા મહાપાલિકામાં કાર્યરત 500 ઇજનેરો પર કમિશનરે મૂક્યો અવિશ્વાસ
વડોદરાથી લઈ છેક વાપી સુધીના નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા એવા રોડ બનાવનારા ઇજારદારો પાસેથી પાલિકા સલાહ લેશે!
તાજેતરના દિવસોમાં વડોદરા શહેરમાં ઠેરઠેર પડી રહેલા ખાડા અને ભૂવાને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સપ્તાહ અગાઉ એક રિક્ષાચાલક પણ પાલિકાના ખોદેલા ખાડામાં ખાબકતા મોતને ભેટ્યો હતો. તેવામાં હાલ પાલિકા દ્વારા શહેરભરમાં ખાડા શોધી તેનું સમારકામ કરવાનું કામ પ્રગતિ પર છે. હવે આ તમામની વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નેશનલ હાઈવેમાં નિષ્ફળ નિવડેલા ઇજારદારો પાસે પાલિકાના રોડ, રસ્તા માટે સલાહ લેશે તેવું નિવેદન આપ્યું છે. એટલું જ નહીં, વોટર ડ્રેનેજ માટે પણ IIT રૂડકીની સલાહ લેવાના છે, તેવું તેમણે કહ્યું છે. તાજેતરમાં જ વડોદરાથી લઈ છેક વાપી સુધીના નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાને પગલે ખુદ સાંસદે ઊભા રહી ખાડા પુરાવા પડ્યા હતા. હવે એ નેશનલ હાઈવે બનાવનારા ઇજારદારો પાસે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સલાહ લેવાનું કહી રહ્યા છે. એટલું જ નહીં વડોદરા મહાનગર પાલિકામાં રોડ વિભાગમાં 54 ઇજનેર અને ડ્રેનેજ વિભાગમાં પણ 54 ઇજનેર છે. આ 108 ઇજનેરમાંથી કોઈ પણ ઇજનેર પર કમિશનર અરુણ મહેશ બાબુને ભરોસો રહ્યો ન હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. એટલું જ નહીં ગુજરાતભરમાં પણ કામ કરતા ઇજારદારો પર પણ તેમણે ભરોસો રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે.
વડોદરા શહેરમાં ખાડા અને ભૂવા પડવા મામલે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું, બે ત્રણ દિવસની અંદર ભારત દેશની અંદરથી સૌથી સારા રોડ બનાવતી એજન્સીઓ પાસેથી સલાહ લેવામાં આવશે. ટાટા પ્રોજેક્ટ્સ, IRB અને L&T જેવા 25 વર્ષની ગેરંટી પિરિયડમાં કામ કરનારા લોકો પાસેથી સલાહ લેવાના છે. બે દિવસ પછી IIT રૂડકીની ટીમ પણ આવી રહી છે. જે વોટર ડ્રેનેજના એક્સપર્ટ છે. તેમની પાસેથી પણ સ્ટડી અને સર્વેની સલાહ લઇશું. લોકોના પૈસાથી બધા કામો થતા હોય છે એટલે કાયમી આ બાબતોનું સમાધાન થવું જોઈએ. એક્સપર્ટની કમિટી પણ અમે બોલાવી રહ્યા છીએ. અત્રે નોંધનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અંદાજિત 500 જેટલા ઇજનેરો છે. તેમ છતાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ હવે ટાટા પ્રોજેક્ટ્સ, IRB અને L&T અને IIT રૂડકીની ટીમ પાસેથી સલાહો લેશે.