GST ભવન પાસે ટ્રાફિકના નિયમોનું સરેઆમ ચીરહરણ, રોંગ સાઈડ આવતા બાઈક ચાલકે સર્જ્યો અકસ્માત

(પ્રતિનિધિ), વડોદરા. તા.26
શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન હવે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા GST ભવન અને આંબેડકર સર્કલ પાસે આજે ફરી એકવાર ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. રોંગ સાઇડથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, GST ભવન પાસેના મુખ્ય માર્ગ પર એક બાઇક ચાલક શોર્ટકટ લેવાની લાલચમાં રોંગ સાઇડ પર આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતા અનય બાઇક ચાલક સાથે તેની ટક્કર થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આંબેડકર સર્કલ અને તેની આસપાસના વિસ્તારોમાં વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, નિયમોનું પાલન ન કરનારા તત્વોને કોઈનો ડર રહ્યો નથી. શોર્ટકટ મારવાના ચક્કરમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું સંચાલન કથળી રહ્યું છે. શું પોલીસ માત્ર દંડ વસૂલવામાં જ રસ ધરાવે છે ? રોંગ સાઇડ આવતા વાહનોને રોકવા માટે કોઈ કડક પગલાં કેમ લેવામાં આવતા નથી ? વારંવાર રજૂઆતો છતાં આ વિસ્તારમાં કાયમી ટ્રાફિક પોઈન્ટ કે સીસીટીવી દ્વારા કડક મોનિટરિંગનો અભાવ દેખાઈ રહ્યો છે. જો તંત્ર દ્વારા વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
