( પ્રતિનિધિ ) વડોદરા, તા.19
વડોદરા એરપોર્ટ ઉપર છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ રદ થવાની અને મોડું ચાલવાની સમસ્યા યથાવત છે. અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટ્સ સતત રદ અને વિલંબિત થતી હતી, ત્યારે હવે દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ રદ થવાનો બનાવ સામે આવ્યો છે. શુક્રવારે દિલ્હી ખાતે ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી–વડોદરા–દિલ્હીની AI 1701/1808 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
દેશભરમાં ઈન્ડિગો દ્વારા 2 ડિસેમ્બરથી અનેક રૂટ્સ પર લગભગ પાંચ હજાર જેટલી ઉડાનો રદ કરવામાં આવતા નવ લાખથી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે હવે ભારતીય સ્પર્ધા આયોગ (CCI) દ્વારા ઈન્ડિગો સામે તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉડાન વિક્ષેપના સંદર્ભમાં મળેલી માહિતીનું સંજ્ઞાન લઈને પ્રારંભિક મૂલ્યાંકન બાદ સ્પર્ધા અધિનિયમ–2002 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે.
ઈન્ડિગોની કટોકટીના પગલે મુસાફરોને રાહત આપવા માટે એર ઈન્ડિયાએ વધારાની ફ્લાઈટો ઉડાન ભરવાનું આયોજન કર્યું હતું. જોકે, હાલ દિલ્હીમાં સર્જાયેલા ખરાબ હવામાનના કારણે માત્ર ફ્લાઈટ્સ જ નહીં પરંતુ ટ્રેનોની અવરજવર પર પણ અસર વર્તાઈ રહી છે.
શુક્રવારે વડોદરા એરપોર્ટ પરથી ઉડાન ભરનાર એર ઈન્ડિયાની AI 1701/1808 ફ્લાઈટ રદ થતાં મુસાફરો અચાનક મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક મુસાફરોને તેમની મુસાફરી માટે વૈકલ્પિક માર્ગો અપનાવવા પડ્યા હતા. સતત ઉડાન વિક્ષેપોને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.