( પ્રતિનિધિ )વડોદરા,તા.15
દિલ્હી અને ઉત્તર ભારતના અનેક એરપોર્ટ ઉપર ગાઢ ધુમ્મસ છવાયું છે. જેના કારણે ફ્લાઈટો રદ થવા સાથે મોડી પડી રહી છે. ત્યારે, વડોદરા એરપોર્ટ ઉપર પણ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી વડોદરા દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ પણ ચાર કલાક લેટ થતા મુસાફરો અટવાયા હતા.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે ઈન્ડિગોની દિલ્હી વડોદરા દિલ્હીની ફ્લાઈટ ચાર કલાક મોડી પડતા મુસાફરો અટવાયા હતા. છેલ્લા છ દિવસથી ઇન્ડિગોની દિલ્હી વડોદરા દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે તેવામાં સાતમા દિવસે ફ્લાઇટ ચાર કલાક મોડી પડી હતી. જ્યારે, એર ઈન્ડિયાની AI 1701/1808 દિલ્હી- વડોદરા – દિલ્હીની ફ્લાઇટ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી અને ઈન્ડિગોની 6E-5066/6662 દિલ્હી-વડોદરા- દિલ્હીની ફ્લાઈટ પણ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 4 કલાક મોડી પડી હતી. જ્યારે મંગળવારે આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 1701 / 1808 દિલ્હી-વડોદરા- દિલ્હીની ફ્લાઈટ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે સતત બીજા દિવસે પણ રદ કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટો રદ થવા સાથે કલાકો મોડી પડી રહી છે. ત્યારે હવે મુસાફરો પણ અનિવાર્ય હોય તો જ આ ફ્લાઈટના બુકિંગ માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે બે ચાર દિવસ અગાઉથી દિલ્હીની ફ્લાઇટ માટે આગોતરો બુકિંગ કરાવી ચૂકેલા મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જ્યારે, ઈન્ડિગોએ આ સ્થિતિ યથાવત રહેશે તેવી આગોતરી જાહેરાત પણ કરી હતી. ત્યારે હવે આગામી એકાદ દિવસમાં પરિસ્થિતિ સામાન્ય બને તેવી શક્યતા રહેલી છે.