ખડોધી ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ તૂટી પડતા 3 મોત નિપજ્યાં હતાં
(પ્રતિનિધિ) ખંભાત તા.30
આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ખંભાત તાલુકામાં એક જ દિવસમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં ખડોધી ગામમાં દિવાલ પડતાં માતા, પિતા અને પુત્રનું મોત નિપજ્યું હતું. આ ઘટના સંદર્ભે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વારસદારોને રૂ.12 લાખની સહાય ચુકવાઇ હતી.
ખંભાત તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ખડોધી ગામે રહેતા ઘનશ્યામ શનાભાઇ ચૌહાણના ઘરની દિવાલ મોડી રાત્રે તૂટી પડી હતી. જેની નીચે ઘનશ્યામભાઈ અને તેમના પત્ની શકુબેન અને તેમનો પુત્ર તુષાર દબાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ અંગે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહને તાત્કાલિક સ્થળ તપાસ કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું.
ખંભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ દ્વારા ખડોધી ગામે મરણ પામનાર ઘનશ્યામભાઈ શનાભાઇ ચૌહાણના ઘરની મુલાકાત લઈને ભારે વરસાદને કારણે દિવાલ પડવાથી થયેલા મૃત્યુ અંગે માનવ મૃત્યુ સહાય અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રકમ મળી રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત મરણ પામનાર ઘનશ્યામભાઈ ચૌહાણના પિતા શનાભાઇ ચૌહાણને ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ અને પ્રાંત અધિકારી કુંજલ શાહના હસ્તે મરણ પામનારા દરેક વ્યક્તિના વ્યક્તિગત 4 લાખ એમ કુલ 12 લાખના સહાયના ચેક આપવામાં આવ્યા હતા.