Charotar

ખંભાતમાં વિદેશ મોકલવાના બહાને 37.74 લાખની છેતરપિંડી

કેનેડાના વર્ક પરમીટના વિઝા અપાવવાના બહાને ઠગાઇનો વધુ એક કિસ્સો બહાર આવ્યો

નડિયાદના શખ્સે બે સગા ભાઇ સહિત 5 વ્યક્તિ પાસેથી નાણા પડાવ્યા

ખેડૂતે પોતાના બે પુત્રને કેનેડા મોકલવા જમીન, ટ્રેક્ટર સહિત મિલકત ગીરવી મુકી નાણા આપ્યાં

(પ્રતિનિધિ) ખંભાત તા.30

ખંભાતના ખટનાલ ગામમાં રહેતા યુવક અને તેના ભાઇ – ભાભીને કેનેડાના વર્ક પરમીટ અપાવવાના બહાને નડિયાદના ગઠિયાએ લાખોની છેતરપિંડી આચરી હતી. આ ગઠિયાએ પંથકમાં 5 વ્યક્તિને લાલચ આપી તેમની પાસેથી રૂ.37.74 લાખ પડાવ્યાં હતાં. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

ખંભાતના ખટનાલ ગામમાં રહેતા વ્રજકુમાર જયેશભાઈ પટેલ એમએ સેમીસ્ટર ત્રણમાં અભ્યાસ કરે છે. તેના પિતા જયેશભાઈ ભાઇલાલભાઈ પટેલ ખેતીકામ કરે છે. વ્રજના પિતા જયેશભાઇના મિત્ર જશભાઈ ગુલાબસિંહ ગોહિલને મળ્યાં હતાં અને વ્રજ, તેનો ભાઇ જૈમીત અને ભાભી ઇશાબહેનને કેનેડા ખાતે વર્ક પરમીટથી વિદેશમાં મોકલવા મળ્યાં હતાં. આ સંદર્ભે 2જી ઓગષ્ટ,2022ના રોજ જસભાઇ તેમના અન્ય મિત્ર કાભઇભાઈ (ભુવાજી) (રહે. વટાદરા)ના ઘરે જયેશભાઈ અને જૈમીતને લઇ ગયાં હતાં. જ્યાં મહેશકુમાર કલ્યાણસિંહ મહિડા (રહે. મા બંગ્લો, ભક્તિ ફાર્મ, પીપળાતા, નડિયાદ) સાથે મુલાકાત કરાવી હતી. આ મુલાકાતમાં મહેશ મહીડા વિઝા કન્સલ્ટીંગનું કામ કરતાં હોવાનું જણાવ્યું હતું. આ સમયે મહેશે જરૂરી વાતચીત બાદ ત્રણેયને કેનેડા વર્ક પરમીટ વીઝા માટે ટીકીટ રૂ.45 લાખ થશે. તેવી વાત કરી હતી. આથી, જયેશભાઇએ ટુકડે ટુકડે રકમ આપવા નક્કી કર્યું હતું અને તે સમયે બાના પેટે રોકડા રૂ.10 હજાર તથા વિઝા ફાઇલ માટેના જરૂરી ડોક્યુમેન્ટ મહેશભાઈને આપ્યાં હતાં. બાદમાં જયેશભાઈ પટેલે 4થી ઓગષ્ટ,2022ના રોજ ટ્રેક્ટર, ગાડી, ખેતીની જમીન ગીરો મુક્યાં હતાં અને ગાય વેચાણ કરી રૂ.આઠ લાખ મહેશના ઘરે રૂબરૂમાં આપ્યાં હતાં. આ ઉપરાંત ચેક આપ્યાં હતાં અને અલગ અલગ તારીખે કુલ રૂ.15.10 લાખ આપ્યાં હતાં. જોકે, બાદમાં વિઝાના કામ વિશે પુછતાં મહેશે પહેલા પુરી રકમ આપી દો એટલે જલદીથી કામ પુરૂ થાય તેમ જણાવતાં જૈમીતના એકાઉન્ટમાંથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આમ રકમ આપવા છતાં વિઝાનું કોઇ કામકાજ કર્યું નહતું અને વિઝાનુ કામકાજ શરૂ કરી દીધું છે તમે રૂપિયા પુરા કરી દો એટલે તમારૂ કામ પુરૂ થઇ જશે. તેમ મહેશ જણાવતો હતો. આથી, વ્રજના પિતા નાણાની વ્યવસ્થા કરી તેના ખાતામાં નાખતાં હતાં. બધુ મળી કુલ રૂ.31.67 લાખ આપ્યાં હતાં. આ વાતને લાંબો સમય થવા છતાં મહેશ મહીડાએ વ્રજ, જૈમિત કે ઇશાબહેનના કેનેડાના વર્ક પરમીટ વિઝાનું કામકાજ કરી આપ્યું નહતું. આથી, મહેશ મહિડાએ છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. બીજી તરફ ધુવારણ જીઇબી કોલોની ખાતે રહેતા જયકુમાર અશોકકુમાર ઠાકોર 28મી મે,2024ના રોજ ઘરે આવ્યો હતો અને તેના મિત્ર રાકેશ રાયસંગભાઈ ઠાકોર પણ આવ્યાં હતાં. જેમાં જય ઠાકોરે જણાવ્યું હતું કે, પીપળાતા ખાતે રહેતા મહેશ મહિડા પાસે મેં તથા મારા મિત્ર રાકેશે બિઝનેસ વર્ક પરમીટ માટે કામકાજ કરવા વટાદરા દોઢીયાપુરા ખાતે રહેતા પૂનમ સોમા ભણંતરીયા (ઠાકોર) મારફતે આપેલા. આ ઉપરાંત અલગ અલગ તારીખે કુલ રૂ.3,79,500 આપ્યાં હતાં. જેમાંથી જયને ફક્ત રૂ.1.05 લાખ પરત આપ્યાં હતાં. તેવી જ રીતે રાકેશ ઠાકોરે પણ રૂ.3,32,500 ટુકડે ટુકડે આપ્યાં હતાં. આમ, મહેશ કલ્યાણસિંહ મહિડાએ વ્રજ સહિત 5 વ્યક્તિને વિદેશ મોકલવાના બહાને રૂ.37.74 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે વ્રજકુમાર પટેલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top