વટાદરા ગામમાં પતરાનો ડબ્બો મૂકી સૂતળી બોમ્બ ફોડતા 10 વર્ષીય માસુમ બાળક ગંભીર રીતે ઘવાયો
દિવાળી પૂર્વે ફટાકડા અને બોમ્બ ફોડતા બાળકો અને વાલીઓને સાવધાન કરતી દુઃખદ ઘટના સામે આવી છે.ખંભાતના વટાદરા ગામે ગતરોજ સાંજના 6 વાગ્યાના અરસામાં 10 વર્ષીય બાળક સૂતળી બોમ્બ ઉપર મસાલાનો પતરાનો ડબ્બો મૂકી ફોડતો હતો.તે સમયે અચાનક ફૂટી જતાં પતરાનો ડબ્બો જાંગના ભાગે ધડાકાભેર વાગી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેને કારણે તેને લોહીલુહાણ થઇ જતા તેને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ડોકટરે તપાસ કર્યા બાદ મૃત જાહેર કરતા પરિવારમાં દિવાળી પૂર્વે ભારે ગમગીની છવાઈ ગઈ છે.
ખંભાતના વટાદરા ગામે સ્વામી નારાયણ મંદિર પાસેના ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરનો 10 વર્ષીય પુત્ર નિર્મલ પોતાના મિત્ર સાથે નજીક પડતર જમીનમાં ફટાકડા ફોડતા હતા.જે દરમિયાન નિર્મલે સુતળી બોમ્બ ફોડવા માટે તેને સળગાવી મસાલાનો પતરાનો ડબ્બો ઢાંક્યો હતો.જેથી તુરંત જ સૂતળી બોમ્બ ધડાકાભેર ફૂટતા 10 વર્ષીય બાળકને જાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ડબ્બાનો પતરૂ જમણી જાંગના ભાગમાં ઘૂસી ગયો હતો.જેથી તે લોહી લુહાણ થઇ ગયો હતો.આ બાબતે જાણ થતાં પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા.ત્યારબાદ તેને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો.દિવાળી પૂર્વે જ બાળકના મોતને પગલે પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.નોંધનીય છે કે, આ ઘટનામાં પરિવારે બાળકના મૃતદેહને પી.એમ ન કરવા અંગે પોલીસ મથકે એફિડેવિટ રજૂ કરી છે તેવી માહિતી મળી છે.સવારે બાળકની અંતિમવિધિ કરી દેવામાં આવી છે.દિવાળી પૂર્વે જ દરજી કામ કરીને ગુજરાન ચલાવતા અલ્પેશભાઈ ઠાકોરના ગરીબ પરિવારે એક પુત્ર નિર્મલ ગુમાવ્યો છે.7 વર્ષીય નાનકડી બહેને પણ પોતાનો નિર્મલ વિરો ગુમાવી દીધો છે.જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.