બેંકમાંથી નાણા ઉપાડ્યા બાદ ચાર અજાણી મહિલાઓએ નજર ચૂકી કરી હાથફેરો
બસ સ્ટેશન નજીક ઉતરી જતાં ખુલ્યો ભેદ, ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ખંભાત:
ખંભાતના વડગામમાં રહેતા એક વૃદ્ધ ખેડૂત પાસેથી અજાણી ચાર મહિલાઓએ ચાલતી રિક્ષામાં બ્લેડથી થેલી કાપી રૂ. 1 લાખની રોકડ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વડગામના રહેવાસી કાળુભાઈ ભીખાભાઈ જાદવ (ઉ.વ. 70) ખેતી કામ કરે છે. તેઓ 25 માર્ચના રોજ સવારના સમયે ખંભાત દવાખાને ગયા બાદ નાણાની જરૂર હોવાથી રેલવે સ્ટેશન નજીક આવેલી બેંકમાંથી રૂ. 1 લાખની રોકડ ઉપાડી થેલીમાં મૂકી રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાં પહેલેથી જ ચાર અજાણી મહિલાઓ સવાર હતી, જેમાંથી બે મહિલાઓ તેમની પાછળની સીટ પર બેઠી હતી.
રિક્ષા બસ સ્ટેશન નજીક પહોંચતાં કાળુભાઈ નીચે ઉતર્યા હતા અને તેમની સાથે ચારેય મહિલાઓ પણ ઉતરી ગઈ હતી. બાદમાં કાળુભાઈ નજીકની દુકાનમાંથી પોતાની થેલી લઈ વડગામ જતી ગાડીમાં બેઠા હતા. તેમાં પણ ચારેય મહિલાઓ સાથે બેઠી હતી, પરંતુ થોડા સમય પછી તેઓ કંઈ કહ્યા વગર વચ્ચે જ ઉતરી ગઈ હતી.
થોડીવાર પછી કાળુભાઈએ થેલો તપાસતાં તેની એક બાજુ બ્લેડથી કાપેલો જોવા મળ્યો હતો અને અંદર રાખેલી રૂ. 1 લાખની રોકડ ગાયબ હતી. જેથી ચાર અજાણી મહિલાઓએ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી તેમણે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.