રાજ્યની એટીએસએ દરોડો પાડી સો કિલો પાવડર જપ્ત કર્યો
ફેક્ટરી પરથી છ શખ્સની ધરપકડ કરવામાં આવી
આણંદ.
ખંભાતના સોખડા ગામમાં આવેલી જીઆઈડીસીની ફેક્ટરીમાં રાજ્યની એટીએસની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસને ફેક્ટરીમાંથી 100 કરોડ ઉપરાંતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે એટીએસએ છ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સોખડા ગામની જીઆઈડીસીમાં આવેલી ગ્રીન લાઇટ કંપનીમાં એટીએસની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એટીએસ ઉપરાંત સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. એટીએસને પ્રાથમિક તપાસમાં જ આશરે 100 કિલો પાવડર મળ્યો હતો. જે અંગે પોલીસે એફએસએલની મદદ લેતાં તે ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું.



પ્રાથમિક તપાસમાં ગ્રીન લાઇટ કંપનીમાં ઘેનની ગોળીઓ બનાવવામાં વપરાતી દવા, કેમિકલની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ કાર્યવાહીમાં મળી આવેલા આશરે સો કિલો પાવડરના જથ્થાની કિંમત જ સો કરોડ ઉપરાંત થવા જાય છે. આ બાબતે એટીએસ અધિકારીઓ કૌભાંડમાં કંપનીના માલિક, ભાગીદાર તેમજ કર્મચારી સહિત છ વ્યક્તિની અટક કરી અમદાવાદ લઇ ગયાં હતાં. જ્યાં તેમની આગવીઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કૌભાંડનો રેલો હાલ ગોધરા સુધી પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે.