આગામી કોર્પોરેશનની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી :
તાત્કાલિક ફોલ્ટ શોધી લાઈનની મરામત કરવા માંગ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરા શહેરમાં પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી ગંદુ અને ડ્રેનેજયુક્ત પાણી આવી રહ્યાનું બહાર આવતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ખંડેરાવ માર્કેટ વિસ્તારના હિંમત ભવન વિસ્તારમાં આશરે 100 જેટલા મકાનોમાં કાળુ, દુર્ગંધયુક્ત અને ગટરમિશ્રિત પાણી આવતાં લોકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અનેક વાર ઓનલાઈન તેમજ લેખિત રજૂઆત કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. પરિણામે સ્થાનિક રહીશોને પીવા માટે બહારથી પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં નહીં કરવામાં આવે તો આંદોલન સાથે કોર્પોરેશનની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી દર્શાવી છે.

મુખ્ય કારણ તરીકે પાણીની લાઈન અને ડ્રેનેજમાં લીકેજ થવાથી પાણી મિક્સ થઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ છે. આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ રહેવાસીઓમાં છે. સ્થાનિકોએ તાત્કાલિક ફોલ્ટ શોધી લાઈનની મરામત કરવા પાલિકા અધિકારીઓને આવશ્યક પગલાં લેવાની માંગ કરી છે.