માર્કેટની આસપાસ પરોઢિયે 3 વાગ્યા થી 9 વાગ્યા સુધી દબાણોનો રાફડો
નગર સેવકો કે પાલિકા તંત્ર વર્ષોથી દબાણો દૂર કરાવવામાં ઢીલા પડે છે
વડોદરા: ખંડેરાવ માર્કેટ પાસે પરોઢિયે જ માર્કેટમાં શાકભાજી અને ફ્રુટના મોટા ટ્રકથી માંડીને નાના વાહનોની કતારો છેક કીર્તિ સ્તંભ સુધી લાગી જાય છે. આખા રાજમહેલ રોડ પરના લાખો રહીશો દબાણની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

દબાણના કારણે રાહદારીઓને પણ બેહદ તકલીફનો સામનો કરવો પડે છે શહેર ની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ અને રાજમહેલ રોડ પર 24 કલાક નાના મોટા વાહનોથી ધમધમતું હોય છે. જેનો કાયમી ઉકેલ લાવવા આજ સુધી શાસકો અને પાલિકા તંત્ર માત્ર દોડધામ કરીને દેખાડા જ કર્યા છે. સ્થાનિક વિસ્તારમાં રહેતા રહીશોએ તો વ્યાપક આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે પાલિકાની વડી કચેરીની ચોતરફ દબાણો જ દબાણો છે.એક માત્ર મરીમાતાના ખાંચાની દબાણનો ઉકેલ લાવી શકતા નથી. તો આટલા મોટા વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા ને સલામતી માટે ક્યારે કોઈ સમસ્યા હલ કરી શકશે નહીં. કારણ કે સવારે ત્રણ વાગ્યાથી નાળિયેર ફ્રુટ અને કેરીઓ સહિતની વિશાળ ટ્રકો કરતા બંધ ઊભી થઈ જાય છે જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી ટ્રક ચાલક ખસેડતો ન હોવાથી દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે માર્કેટમાં ફૂલો અને શાકભાજી પણ જથ્થાબંધ વેચાણ થતા હોવાથી સવારે નાના મોટા વાહનોમાં લાવવામાં આવે છે જેના કારણે દાંડિયા બજાર થી જય રત્ન બિલ્ડીંગ અને કીર્તિ સ્તંભથી ભગતસિંહના પૂતળા સુધીનો વિસ્તાર વાહનોથી ભરચક થઈ જાય છે આ બાબતે નગરસેવકોને અનેક વખત રજૂઆતો કરી છે જેને ધ્યાને લઈને કોર્પોરેટરો એ પણ પાલિકા તંત્રનું ધ્યાન દોર્યું છે પરંતુ આજ સુધીમાં કોઈ ઉકેલ આવી શક્યો નથી એવી પણ ચર્ચા સાંભળવા મળી હતી કે દબાણનું પ્રકરણ માત્રને માત્ર હપ્તાબાજી થી જ ચાલે છે.

પાટનગર થી જ્યારે કડક પગલાં ભરવાના હુકમ થાય ત્યારે બે-ચાર દિવસ દબાણ શાખા દોડધામ મચાવીને દબાણો ખસેડે છે અને મેમા ફટકારીને દંડ પણ વસૂલ કરે છે જો કે આ માત્ર દેખાડો ગણતરીના દિવસો પૂરતો જ હોય છે ખરેખર પાલિકા તંત્રના સત્તાધીશો ટ્રાફિક વિભાગ અને પોલીસ તંત્ર એ આયોજન બદ્ધ સંકલન કરી અને કોઈની શેહશરમમાં આવ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવી તો જ આ મામલે કંઈક નિકાલ આવે.
