ફૂલોના પોટલાં, ફ્રૂટ લારી સહિત ત્રણ ટ્રક માલ જપ્ત

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે ફુલના ઢગલા કરીને જાહેર રોડ રસ્તાને રોકી વેપાર-ધંધો કરનારા ફુલમાળીના ફુલના પોટલા સહિત માર્કેટ ચાર રસ્તા વિસ્તાર તથા માર્કેટ પાછળ ત્રાટકેલી દબાણ શાખાની ટીમે ફ્રુટવાળાની ક્રેટો મળીને ત્રણ ટ્રક જેટલો સામાન વહેલી સવારે કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ખંડેરાવ માર્કેટ પાસેના રોડ રસ્તા પર ફૂલના ઢગલા કરીને અકસ્માત થાય એવી રીતે ફૂલ માળી વેપાર ધંધો કરતા હોય છે. આ અંગે તમામ ફૂલવાળાને વારંવાર કહેવા છતાં સુચના ને ફૂલના વેપારીઓ ગાંઠતા નથી. એવી જ રીતે ખંડેરાવ માર્કેટ પાછળના ભાગમાં આડેધડ પાર્કિંગ કરીને વાહનોમાંથી ફ્રુટવાળા ફળફળાદી ઉતારતા હોય છે. પરિણામે ખંડેરાવ માર્કેટ પાછળથી પસાર થનારાઓને બીજે છેડે જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આડેધડ પાર્કિંગના કારણે ઘણી વાર અકસ્માત અને તકરારના પણ બનાવો બનતા હોય છે. પાલિકા તંત્ર દ્વારા વારંવાર કહેવા છતાં ફ્રુટવાળા આખ આડા કાન કરીને પોતાનો વેપાર ધંધો બિન્દાસ રીતે કરતા હોય છે. પરિણામે આજે સવારે ત્રાટકેલી દબાણ શાખાની ટીમે ફૂલ વેપારીઓના ફૂલના પોટલા તથા ફ્રુટવાળાઓના વિવિધ માલ સામાન સહિત ખાલી ક્રેટો મળીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન આજે પાલિકાની દબાણ શાખા સવારે કબજે કર્યો છે.