સાવલી તાલુકામાં ભાજપના જ ક્ષત્રિય સમાજના બે આગેવાનો સામસામે, વિડિયો થકી રાઉલજી સામે વિજયસિંહ વાઘેલાના આક્ષેપો
વડોદરા: સાવલી તાલુકામાં ફરી એકવાર ભાજપમાં આંતરિક જૂથબંધી બહાર આવી છે. સોશિયલ મીડિયા થકી ધારાસભ્ય કેતન ઇનામદાર જૂથના ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ ગર્ભિત ઈશારો કરી કુલદીપસિંહ રાઉલજી સામે સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવી વીડિયો વાયરલ કર્યો છે.
હાલ ના સાવલી ભાજપ ના કાર્યકર અને પૂર્વ સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જૂથના મનાતા વિજયસિંહ વાઘેલાએ નામ લીધા વગર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે આક્ષેપ લગાવ્યા છે. વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે રાઉલજી સમાજ માટે વાડી બનાવવાનું વચન આપી ફરી ગયા છે.
૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસમાંથી ટીકીટ ન મળતા વિજયસિંહ વાઘેલાએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. એ ચૂંટણીમાં કુલદીપસિંહ રાઉલજી ભાજપમાંથી કૉંગ્રેસમાં ચૂંટણી લડી કેતન ઇનામદાર સામે હારી ગયા હતા. કુલદીપસિંહ રાઉલજીએ બે માસ અગાઉ સી આર પાટીલ ના હસ્તે ભગવો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારથી ઈમાનદાર જૂથ તેમનો વિરોધ કરી રહ્યું છે.
બે દિવસ અગાઉ ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામ ના એપિસોડ બાદ ભાજપ માં વધુ જૂથબંધી અને આંતરિક કલેહનો કિસ્સો સામે આવ્યો છે. વિજયસિંહ વાઘેલાએ ૬ મિનિટથી વધુ સમયનો વિવિધ આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો છે. તેમાં વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે રાઉલજીએ સમાજના નામનો માત્ર ઉપયોગ કરી સમાજ માટે કશું કર્યું નથી. રાઉલજીએ સમાજની વાડી બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ હવે સમાજના લોકોએ મને મત આપ્યા નથી એમ કહીને વચનમાંથી ફરી ગયા છે. સમાજના યુવક યુવતીઓ માટે સીવણ અને પોલીસ ભરતી માટેના વર્ગ પણ શરૂ કર્યા નથી. સમાજના એક પણ દીકરાને બરોડા ડેરીમાં નોકરી અપાવી નથી. રાઉલજીએ સમાજનું નહિ પરંતુ પોતાનું જ હિત જોયું હોવાના આક્ષેપ વીડિયોમાં કર્યાં છે.
લોકસભાની ચૂંટણી ટાણે ભાજપની આ જૂથબંધીએ ભારે ચર્ચા જગાવી છે.