મળતીયાઓ સાથે ભેગા મળીને ત્રણ લોકોના ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીન અને મોબાઇલ ફોન થકી મોટી રકમની છેતરપિંડી આચરી
સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 09
ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરનાર ઇસમ દ્વારા એક જ પરિવારના ત્રણ સભ્યોના ક્રેડિટ કાર્ડમાથી સ્વાઇપ મશીન તથા મોબાઇલ ફોન થકી રૂ. 31,16,845.06 ની છેતરપિંડી આચરતા સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ફતેપુરા હાથીખાના કુડુમા દરગાહ નજીક આવેલા કરમ બિલ્ડિંગમાં શોએબઅલી સાકીરઅલી સૈયદ પોતાના પરિવાર સાથે રહે છે અને રાવપુરા વિસ્તારમાં આવેલા એમ.આર.માર્કેટિગ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે તેમની પાસે પોતાના અંગત ઉપયોગ માટે અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડ છે શોએબઅલી પોતાના જીજાજી સમરૂદ્દીન શેખ મારફતે વર્ષ -2024 થી તેમના ફતેપુરા પાજરીગર મહોલ્લામાં રહેતા મિત્ર ઇમરાન રાઠોડ સાથે પરિચયમાં આવ્યા હતા ત્યારબાદ આ ઇમરાનભાઇએ શોએબઅલીની ઓળખાણ શહેરના સરસસીયા તળાવ રોડ પર આવેલા અલાયશાખાહ મસ્જિદ, ચાંદ બેકરી સામે રહેતા આશીફ નુરુદ્દીન દીવાન સાથે કરાવી હતી જે ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ બહાર અઢી ટકાથી કરવામાં આવે છે તે બે ટકાથી કરી આપતો હતો.આશીફ દિવાને શોએબ અલીને પોતે બરોડાનો ડિસ્ટ્રિબ્યુટર હોય ફંડની જરૂર હોવાનું જણાવ્યું હતું સાથે જ શેએબ અલી આ કામ કાઢી આપશે તો તેમના કામના ચાર્જીસ તે નહીં લે અને ઉપરથી કમિશન આપવાની વાત કરી હતી જેથી શોએબ અલી બીજી વાર જ્યારે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા જતાં હતાં તે દરમિયાન તેમનું કાર્ડ સ્વાઇપ કરી આશીફ દીવાન થોડા પૈસા લ ઇ લેતો હતો ત્યારબાદ શોએબ અલીએ પૈસા માંગતા આશીફ દીવાન સિસ્ટમ ડાઉન હોવાનું અને અલગ અલગ બહાના બતાવતો આમ તે પૈસા લઈને જૂના ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરતો બાકીના રાખી લેતો હતો આમ તેણે અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે કાર્ડમાંથી પૈસા તેના ઘરે લેપટોપ, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીન થકી મેળવી લીધા હતા તેણે અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડ મારફતે 21,43,250.26રૂપિયાની છેતરપિંડી કરી હતી સાથે જ શોએબના ભાઇ વસીમ અલી સૈયદના ક્રેડિટ કાર્ડ મારફતે રૂ.2,49,035.49રૂપિયાની છેતરપિંડી કરી હતી તેમજ શોએબ અલીના બનેવી સમીરૂદ્દીન બદરુદ્દીન શેખ ના અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે રૂ.7,24,559.31રૂપિયાની મળીને માર્ચ -2024 થી નવેમ્બર -2024 દરમિયાન કુલ રૂ 31,16,845.06 ની છેતરપિંડી કરી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
