વ્હીલચેર તો મુકાઈ, પણ સુગમ્યતા ક્યાં હતી?

વડોદરામાં આયોજિત ક્રેડાઈ વડોદરા મેગા પ્રોપર્ટી શો માં શહેરના મોટા બિલ્ડરો અને પ્રોપર્ટી ડેવલપર્સે ભાગ લીધો હતો. શોમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા, પરંતુ આ ઇવેન્ટની સુગમ્યતા પર હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે આ આયોજનની ચર્ચા કરતાં કહ્યું કે પ્રદર્શનમાં દિવ્યાંગો માટે વ્હીલચેર તો મુકાઈ હતી, પરંતુ સ્ટોલ્સ વ્હીલચેર સુગમ્ય નહાતા.
વિનોદભાઈ મિસ્ત્રી નામના ટ્વિટર(x) યુઝરે પોતાનો અનુભવ શેર કરતા લખ્યું; “ક્રેડાઈ વડોદરા દ્વારા યોજાયેલ CREDAI VADODARA PROPERTY SHOW મેગા એક્ઝીબિશનની મુલાકાત લીધી. ખુશીની વાત એ હતી કે એન્ટ્રીમાં વ્હીલચેર હતી, પરંતુ એકપણ સ્ટોલ વ્હીલચેર સુગમ્ય ન હતો.” આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આગંતુકો માટે સગવડતા માત્ર દેખાડા માટે હતી કે વાસ્તવમાં વપરાશ માટે? એવો સવાલ હવે લોકમુખે થઈ રહ્યા છે.
દિવ્યાંગો માટે સુગમ્યતા માત્ર એક પ્રતીક તરીકે પૂરતી છે કે તેનો વાસ્તવમાં અમલ થવો જોઈએ? ક્રેડાઈ વડોદરાએ આ અંગે હજી સુધી કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપી નથી. પરંતુ, આ મુદ્દે લોકોમાં ચર્ચા ઊઠી છે કે મોટા મોલ, એક્ઝિબિશન કે જાહેર કાર્યક્રમો પણ સરળ અને સગવડયુક્ત હોવા જોઈએ, જેથી દરેક વર્ગના લોકો તેનો લાભ લઈ શકે. આખરે, વ્હીલચેર સુગમ્યતા માત્ર ફોર્મેલિટી છે કે હકીકત ? તે પ્રશ્ન હજી અધૂરો છે!