ગરમીમાં વધતો હીટસ્ટ્રોકનો ખતરો
: ઘરે આવી ભોજન લીધા બાદ અચાનક ઉલ્ટી થતાં બેભાન થઈ ઢળી પડ્યા
ત્રણ વર્ષની દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું, પરિવારમાં શોકનો માહોલ
વડોદરા, તા. 30 — વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી નિલમ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય શૈલેષકુમાર પટેલનું રવિવારે અચાનક મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ કાળઝાળ ગરમીમાં ક્રિકેટ રમ્યા બાદ હીટસ્ટ્રોક લાગતા હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ શૈલેષભાઈ પટેલ રવિવારની રજા હોવાથી સવારે મિત્રો સાથે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારબાદ બપોરે ઘરે પરત આવી ભોજન લીધા બાદ તેઓ બેઠા હતા, ત્યારે અચાનક તેમને ઉલ્ટી થઈ અને તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. પરિવારજનોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક શૈલેષ પટેલ પાછળ પત્ની અને ત્રણ વર્ષની એક દીકરી છે. અચાનક થયેલા નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને વિસ્તારમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.