Virpur

ક્રિકેટ રમી ઘરે પરત આવેલા વીરપુરના 17 વર્ષના કિશોરનું હૃદયરોગના હુમલાથી મોત

(પ્રતિનિધિ) વીરપુર તા.29
વીરપુરના કસ્બા વિસ્તારમાં રહેતો 17 વર્ષિય કિશોર શનિવારના રોજ ક્રિકેટ રમી ઘરે આવ્યા બાદ અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને પરિવારજનો હજુ કંઇ કરે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે પરિવારજનો શોકમગ્ન થઇ ગયાં હતાં.

વીરપુરના કસ્બા વિસ્તારમા રહેતો 17 વર્ષનો સૈયદ ફરહાન અલી મકબુલ અલી પોતાના મિત્રો સાથે શનિવારના રોજ ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં રમત પૂરી કર્યા બાદ તે પોતાના ઘરે પરત આવ્યો હતો. ફરહાન ઘરમાં પાણી પીતો હતો તે સમયે અચાનક જ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આથી, ફરહાનના પરિવારજનો ચોંકી ગયાં હતાં અને તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઇ ગયાં હતાં. પરંતુ ફરજ પરના તબીબે ફરહાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. માત્ર 17 વર્ષના તંદુરસ્ત કિશોરના અચાનક હ્રદયરોગથી મોતની ખબર મળતાં પરિવારજનો પર આકાશ તૂટી પડ્યું હતું. આ ઘટનાથી વીરપુર પંથકમાં પણ શોકની લાગણી જન્મી હતી.

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી.

Most Popular

To Top