(પ્રતિનિધિ) વડોદરા તા 17
શહેરના માંજલપુર વિસ્તારમાં ક્રિકેટ રમવાની બાબતે ઝઘડામાં સમાધાન થઈ ગયા બાદ યુવક ચાલતા પોતાના ઘરે જતો હતો તે દરમિયાન લોખંડની પાઇપ થી માથામાં હૂમલો કરી ઇજા પહોંચાડનાર ઇસમ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી પાસેના સાંઇનાથ હાઉસિંગ ના મકાનમાં પરિવાર સાથે છેલ્લા એક મહિનાથી રહેતા શૈલેષભાઇ દલિતભાઇ બારીયા નામનો યુવક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે ચ્હાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત તા.15 એપ્રિલના રોજ શૈલેષભાઇ તેના મિત્ર બોડો તથા કિરણ સાથે શંકરનગરના મેદાનમાં ક્રિકેટ રમતા હતા તે દરમિયાન ક્રિકેટ નહીં રમવાની બાબતે ભોલો રમેશભાઇ રહે કેધારધામની ગલી માંજલપુર સાથે ઝઘડો થયો હતો બાદમાં સમાધાન થઈ ગયું હતું ત્યારબાદ શૈલેષભાઇ સાંજના સમયે સાતેક વાગ્યાની આસપાસ ચાલતા પોતાના ઘર તરફ જતો હતો તે દરમિયાન શંકરનગરના ગેટ પાસે ભોલો રમેશભાઇ ઉભો હતો તેણે શૈલેષભાઇ ને “કાલે તું દાદાગીરી કેમ કરતો હતો” તેમ કહી અપશબ્દો બોલી ક્યાંકથી લોખંડની પાઇપ લાવી શૈલેષભાઇ ને માથામાં ફટકારી દેતાં શૈલેષભાઇ લોહીલુહાણ થઈ ગયો હતો ઝઘડા દરમિયાન મિત્ર જયેશભાઇ, તથા સગો ભાઇ મહેશભાઇ ત્યાં દોડી આવતા ભોલો રમેશભાઇ ત્યાંથી ભાગી ગયો હતો ત્યારબાદ કોઇકે 108 ને ફોન કરતાં ઇજાગ્રસ્ત શૈલેષભાઇ ને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે