Vadodara

ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!

વડોદરાના સયાજીપુરામાં ગેરકાયદેસર વેચાણની વિગતોને પગલે દરોડો, આરોપી ગોળ-ગોળ જવાબ આપતાં રિમાન્ડ પર લેવાની કાર્યવાહી શરૂ

વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં નશાયુક્ત સીરપના ગેરકાયદેસર વેચાણની વિગતોને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રવિવારે રાત્રે સયાજીપુરા વિસ્તારમાં દરોડો પાડી એક એજન્ટને ઝડપી પાડ્યો હતો. આરોપીના મકાનમાંથી પોલીસે કોડીન કફ સીરપની મોટી માત્રામાં બોટલો જપ્ત કરી છે.
​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સયાજીપુરાના દત્તનગર વિસ્તારમાં રહેતો મંનજીત કરતાર સિંગ સીકલીગર નશા માટે ઉપયોગમાં લેવાતી કોડીન કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક દત્તનગર ખાતે મનજીતસિંગના મકાન પર તપાસ માટે દરોડો પાડ્યો હતો.
​દરોડા દરમિયાન, પોલીસે મનજીતસિંગના મકાનની તલાશી લેતા કબાટમાં છુપાવેલી કોડીન કફ સીરપની કુલ 11 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ નશાયુક્ત સીરપની અંદાજિત કિંમત રૂ. 12,941/- જેટલી આંકવામાં આવી છે.
​ક્રાઈમ બ્રાન્ચે એજન્ટ મનજીત સિંગની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે તેને આ જથ્થો કેટલા સમયથી લાવ્યો હતો અને કોની પાસેથી મેળવ્યો હતો, તે વિશે પ્રશ્નો કર્યા હતા. જોકે, આરોપી મનજીતસિંગે આ બાબતો પર ગોળ-ગોળ જવાબો આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
​આરોપી પાસેથી કોડીન કફ સીરપના વેચાણના નેટવર્કની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે અને આ જથ્થાના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે મનજીતસિંગને રિમાન્ડ પર લેવાની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દરોડાએ વડોદરાના પૂર્વ વિસ્તારમાં નશાના કાળા કારોબારના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે.

Most Popular

To Top