આંતરિક વિખવાદથી મોડી ટેન્ડર પ્રક્રિયા છતાં ખર્ચ વધ્યો
વડોદરામાં વિશ્વામિત્રી નદીના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ભાજપના આંતરિક વિખવાદના કારણે બે મહિના મોડી ટેન્ડર પ્રક્રિયા કરવી પડી, છતાં ખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી. અવ્યવસ્થિત ટેન્ડર પ્રક્રિયાના કારણે કોર્પોરેશન હવે આ પ્રોજેક્ટ માટે જીએસટી સાથે કુલ રૂ. 73 કરોડ ખર્ચ કરશે, જ્યારે શહેર બહાર વિશ્વામિત્રી નદીના સમાન કામ માટે સિંચાઈ વિભાગ માત્ર રૂ. 28.54 કરોડમાં કામ કરશે. એટલે કોર્પોરેશનને એક જ પ્રકારના કામ માટે રૂ. 44.87 કરોડ વધુ ચૂકવવાના રહેશે. ભાજપના આંતરિક વિખવાદના કારણે ટેન્ડર પ્રક્રિયા બે મહિના મોડી પડી, છતાં ખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી. આ ટેન્ડર પ્રક્રિયાની જીદ કરનાર નેતાઓએ ખર્ચ વધવા પર હવે કોઈ નિવેદન આપ્યું નથી. તેમના અંગત રાજકીય ફાયદા માટે સમગ્ર પ્રોજેક્ટમાં વિલન બનેલા નેતાઓ હવે શાંત થઈ ગયા છે.
આજના નિર્ણય મુજબ, વડોદરા કોર્પોરેશન વિશ્વામિત્રી નદી માટે રૂ.73 કરોડ ખર્ચ કરશે, જ્યારે શહેર બહાર તે જ નદી પર સમાન કામ માટે સિંચાઈ વિભાગ માત્ર રૂ.28.54 કરોડ ખર્ચી રહ્યું છે. એટલે સિંચાઈ વિભાગની સરખામણીએ કોર્પોરેશન રૂ. 44.87 કરોડ વધુ ચૂકવશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં રાજકીય દખલ અને વિખવાદના કારણે શહેરની જનતાને વધુ ખર્ચનો માર સહન કરવો પડી રહ્યો છે.
વિશ્વામિત્રી નદીના વિકાસ માટે ચાર અલગ-અલગ પેકેજમાં ચાર ઈજારદારો કામ કરશે
- કાશીબાથી દેણા ચોકડી: રાજકમલ બિલ્ડર્સ – રૂ.15.07 કરોડ
- વિદ્યાકૂંજથી કાશીબા: શિવમ કન્સ્ટ્રક્શન – રૂ.15.40 કરોડ
- કોટનાથથી વિદ્યાકૂંજ: ડી.બી. પટેલ – રૂ.15.97 કરોડ
- મરેઠાથી કોટનાથ: સંકલ્પ કન્સ્ટ્રક્શન – રૂ.14.55 કરોડ
તમામ ઇજારદારો ને કોર્પોરેશન મૂળ ભાવ કરતા 2% વધુ નાણાં ચૂકવશે. આ ટેન્ડરમાં માત્ર માટી ખોદકામ માટે રૂ. 62.22 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત, કોર્પોરેશન આ કામો માટે રૂ.11 કરોડ GST તરીકે અલગથી ચૂકવશે, એટલે કુલ ખર્ચ રૂ. 73 કરોડ થાય છે.
વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેર માટે રૂ. 197.37 કરોડના 28 પ્રોજેક્ટોને મંજૂરી આપી
વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારો માટે રૂ. 197.37 કરોડના 28 પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી. આ તમામ પ્રોજેક્ટ વડોદરાના પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટેની યોજના હેઠળ છે. આ પ્રોજેક્ટોમાં મુખ્યત્વે પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, વરસાદી ગટર, રસ્તાઓ અને અન્ય જરૂરી પબ્લિક સુવિધાઓના કામો સામેલ છે.
શહેર હિતમાં કામ કરો : નવા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીની તાકીદ
સંકલન બેઠકમાં મહામંત્રીઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બની
સંકલન બેઠક પહેલા શહેર પ્રમુખે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે 10 મિનિટ અલગ બેઠક કરી હતી
શહેર ભાજપના નવા પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ તેમની પ્રથમ સંકલન બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે તમામ કાર્યકરો અને નેતાઓએ શહેર હિતમાં કામ કરવું જોઈએ. ભાજપ કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, “લોકહિતમાં કામ કરવું એ આપણા દાયિત્વ છે. શહેરમાં વિકાસની ગતિ ઝડપી થાય તે માટે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.” તેમણે સભ્યોને તાકીદ કરી કે પાર્ટીનો કોઇપણ નિર્ણય શહેરની પ્રગતિને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. આ સંકલનમાં સ્થાયી સભ્યો હાજર રહ્યા હતા, પરંતુ મહામંત્રીઓ ગેરહાજર રહ્યાં તે ચર્ચાનો વિષય બન્યો હતો. એક મહામંત્રી થોડા સમય માટે ઉપસ્થિત રહ્યા, પરંતુ કામના બહાનાથી તેઓ વહેલા નીકળી ગયા. અન્ય એક નેતા, જે સામાન્ય રીતે સંકલનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને તીવ્ર અભિપ્રાય વ્યક્ત કરતા, તે પણ આજે હાજર રહ્યા નહોતા.
ભૂખી કાંસ મામલે પૂર્વ કોર્પોરેટર પ્રદીપ જોશી સંકલન બેઠકમાં પહોંચ્યા !
વડોદરામાં ભૂખી કાંસના રી-રૂટિંગ મુદ્દે પૂર્વ કોર્પોરેટર પ્રદીપ જોશીએ સંકલન બેઠકમાં શિસ્તભંગ કરી હાજરી આપી હતી. તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો કે 15 માળની ટ્રાન્સપોર્ટ બિલ્ડિંગ, જે હાલ ઉપયોગમાં નથી, તેને તોડી ભૂખી કાંસ પસાર કરવી જોઈએ. તેમના મતાનુસાર, આ સ્થળ પર ભૂખી કાંસનું રી-રૂટિંગ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે. સંકલન બેઠક બાદ પ્રદીપ જોશીએ શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી અને તેમની રજૂઆત રજુ કરી. હવે શહેર પ્રશાસન આ પ્રસ્તાવ પર શું નિર્ણય લે છે, તે જોવાનું રહેશે.