અત્યાર સુધી 498 કરોડ વસૂલ, બાકીદારોને 31 માર્ચ સુધી 80% વ્યાજ માફી
માર્ચ 2025 સુધીમાં કોર્પોરેશન દ્વારા કુલ 724 કરોડ રૂપિયાના વેરા વસૂલનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. હાલ સુધીમાં 498 કરોડ રૂપિયાના વેરા વસૂલ થઈ ચૂક્યા છે. વેરા વસૂલાતમાં ગતિ વધારવા માટે કોર્પોરેશન દ્વારા વિવિધ ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.
કોર્પોરેશન દ્વારા 31 માર્ચ 2025 સુધી વસુલાત વધારવા જે મિલકતોના બાકી વેરા છે. તેના માટે 80% વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતોના વેરા પર લાગતા વ્યાજમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે. આ ઓફરનો લાભ ઉઠાવી લોકો પોતાનો બાકી વેરો ભરી રહ્યા છે.
કોર્પોરેશન દ્વારા વેરા ભરવામાં આળસ કરતા મિલકતધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે મિલકતધારકો વારંવાર વેરા ભરવામાં નિષ્ફળ રહે છે, તેમની મિલકતો સિલ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 300થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે.
કોર્પોરેશનની હદમાં આવતી સરકારી કચેરીઓ પણ વેરાના બાકીદારોમાં સામેલ છે. ખાસ કરીને રેલવે વિભાગ ઉપર 9 કરોડ રૂપિયાનો વેરો બાકી હતો, જેમાંથી તાજેતરમાં 1.5 કરોડ રૂપિયા ભરવામાં આવ્યા છે. બાકી રહેલ રકમ પણ ટૂંક સમયમાં વસૂલ થશે તેવી આશા છે.
કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાતમાં વધુ ગતિ લાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વ્યાજ માફીની ખાસ છૂટ, મિલકતો સીલ કરવાની કાર્યવાહી અને બાકી વેરા ભરાવવાના પ્રયાસો દ્વારા પાલિકા તંત્ર લક્ષ્યાંક સુધી પહોંચવાની તૈયારીમાં છે.
જેઓ અત્યાર સુધીમાં વેરો ભરવામાં વિલંબ કરતા હતા, તેઓ માટે 31 માર્ચ 2025 સુધીની મુદત એક સારો અવસર છે. 80% વ્યાજ માફીની છૂટનો લાભ લઈ નાગરિકો અને વેપારીઓ તેમના વેરાની ચૂકવણી કરી શકે છે અને નોંધાયેલા વ્યાજમાંથી બચી શકે છે.
