- સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવર ને કોર્પોરેટર આશિષ જોષીએ લાફો ઝીંકી દીધો
- ડ્રાઈવર તળાવ અંગે રજૂઆત કરવા ગયો અને કોર્પોરેટરનો પિત્તો ગયો
વડોદરા મહાનગરપાલિકા હંમેશા ચર્ચામાં રહે છે અને તેમાંય કેટલાક કાઉન્સિલર હંમેશા કોઈક ને કોઈક કારણોસર વિવાદોમાં રહે છે. ત્યારે બુધવારના રોજ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં નગરસેવક આશિષ જોષીએ સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને લાફો ઝીંકી દીધો હતો જેના પગલે પુનઃ એકવાર વિવાદ સર્જાયો હતો. જાણવા મળ્યા મુજબ આ ડ્રાઈવર તળાવની સાફ સફાઈ અંગે રજૂઆત કરવા ગયો હતો જો કે ત્યાર બાદ કોઈ મુદ્દે બોલાચાલી થઇ હતી અને કોર્પોરેટરનો પિત્તો ગયો હતો.
વડોદરા મહાનગરપાલિકાના અમુક કોર્પોરેટર હંમેશા વિવાદમાં રહેવાનું પસંદ કરતા હોય છે. પાલિકાના બોલકના કોર્પોરેટર આશિષ જોષી હંમેશા કોઈક ના કોઈક મુદ્દે ચર્ચામાં રહે છે. દરમિયાન બુધવારે કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં ઘટેલી એક ઘટના બાદ તેઓ પુનઃ વિવાદમાં આવ્યા છે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીનું સરકારી વાહન ચલાવતા ડ્રાઇવર રણછોડ ભરવાડ વોર્ડ 15 માં રહે છે. અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષી કોર્પોરેશન ઉપર આવતા તેઓએ પોતાના વિસ્તારમાં તળાવની સાફ સફાઈ અંગે રજૂઆત કરી હતી. આ મુદ્દે કોઈ રક્ઝક થઇ અને બંને તરફે કોઈ કોમેન્ટ પાસ થતા આશિષ જોષીએ રણછોડ ભરવાડને લાફો ઝીંકી દીધો હતો. જેના પગલે કમ્પાઉન્ડમાં અન્ય ડ્રાઈવર અને કાઉન્સિલર પણ જમા થઇ ગયા હતા. કોર્પોરેટર આશિષ જોષીએ સ્થાયી સમિતિના ચેરમેનને પણ તેઓના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ કરી કે તે એલફેલ બોલે છે. એક તબક્કે કોર્પોરેશનનું કમ્પાઉન્ડ સમરાંગણ હોય તેમ લાગી રહ્યું હતું.
હું તળાવ અંગે રજૂઆત કરવા ગયો હતો.
મારા વિસ્તારમાં તળાવની સાફસફાઈ નથી થઇ અને તેના કારણે ચોમાસામાં તળાવમાંથી પાણી ઉભરાઈ બહાર આવે છે તે અંગે રજૂઆત કરવા ગયો હતો. તેમને મને શાંતિ રાખવા કહ્યું અને બાદમાં એલફેલ વાત કરવા લાગ્યા મેં તેમને રોકાતા તેઓએ મને લાફો મારી દીધો. – રણછોડ ભરવાડ, ડ્રાઈવર
કાઉન્સિલરને બધાની સામે જેમ તેમ બોલે તે સાંખી ન લેવાય
ચેરમેનને રજૂઆત બાબતે મળવા આવ્યો હતો .જતી વખતે એક ફાલતુ વ્યક્તિ કોર્પોરેટર પાર આરોપ લગાવતો હતો. પછી ખ્યાલ આવ્યો કે ડ્રાઈવર હતો અને અહીં બધા કાઉન્સિલર ઉભા હતા, દંડક પણ હતા તેઓની સામે બીભત્સ વર્તન કરી કોર્પોરેટરને જેમ તેમ બોલે તે ન સાંખી લેવાય. આ અંગે અમે ચેરમેનનું પણ ધ્યાન દોર્યું છે. – આશિષ જૉષી , કોર્પોરેટર