તમામ ઈજારદારો એકસમાન ભાવે કામ કરવા તૈયાર: ગૂંચવણ કે સગવડ?
શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ.75.39 કરોડના 14 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં ઈજારદારો દ્વારા જુદા જુદા ભાવ ભરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ બધા 17.50% વધારાના એક જ ભાવે કામ કરવા સંમત થયા છે. સામાન્ય રીતે, ટેન્ડર પ્રક્રિયા સ્પર્ધાત્મક હોય છે, જ્યાં ઈજારદારો અલગ-અલગ ભાવ રજૂ કરી શ્રેષ્ઠ દર સાથે કામ મેળવતા હોય છે. પરંતુ આ વખતની ટેન્ડર પ્રક્રિયામાં, શરુઆતમાં જુદા જુદા ભાવ આપવામાં આવ્યા બાદ, કોર્પોરેશન સાથેની ચર્ચાઓ બાદ તમામ ઈજારદારો એક સમાન ભાવે 17.50% વધારા સાથે કામ કરવા તૈયાર થયા છે. વધુમાં કોર્પોરેશન દ્વારા પણ તમામને એક સરખા ભાવે કામ કરવાનું કહેવામાં આવ્યું. જો કોર્પોરેશને અલગ અલગ વિસ્તારમાં થયેલા અગાઉના કામો મુજબ પણ ભાવ ઓછા કરાવ્યા હોત તો કદાચ કોર્પોરેશનના વધુ પૈસાની પણ બચત થઈ શકતી. આ સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે. જો ઈજારદારો અગાઉથી તેમના નક્કી કરેલા ભાવ મુજબ ટેન્ડર ભરતા હોય, તો પછી તેઓ હવે એકસમાન દર પર કેવી રીતે સંમત થયા? શું ટેન્ડર પ્રક્રિયાના ધોરણો ફક્ત ઔપચારિકતા પૂરતા જ રહ્યા છે? શું ઈજારદારો અંદરોઅંદર ગઠબંધન બનાવી રહ્યા છે?
આ મામલામાં ચાર ઈજારદારો એકસમાન દર સાથે પ્રોજેક્ટ હાંસલ કરવા માટે તૈયાર થયા છે:
મે. શિવમ કન્સ્ટ્રક્શન કં.
મે. શાંતિલાલ બી. પટેલ
મે. પી. ડી. કન્સ્ટ્રક્શન
મે. શિવાલય ઇન્ફ્રા પ્રો. પ્રા. લિ.
રોડ શાખાના સ્થાયી સમક્ષ રજૂ કરાયેલા મુખ્ય કામો :
વોર્ડ 11થી લાલ ગુરુ સર્કલ સુધી રસ્તો વાઈડનિંગ: રૂ.9,00,86,872
સુસેન ચાર રસ્તાથી હનુમાનજી મંદિર સુધીનો રસ્તો: રૂ.12,89,85,278
ભવન સર્કલથી પ્રતાપ નગર સુધીનો માર્ગ: રૂ.7,31,14,377
ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી સુધીનો માર્ગ: રૂ.6,28,49,022
ગાજરાવાળી પાણીની ટાંકીથી યમુના મિલ ચાર રસ્તા સુધીનો માર્ગ: રૂ.5,43,66,978
વિહાર ટોકીઝની સામેથી ઈદગા મેદાન સુધીનો આરસીસી રોડ: રૂ.6,39,90,138
