! શિક્ષિકાના મોતના પગલે કડક બજારમાં VMCનું બુલડોઝર
એમ્બ્યુલન્સ ન પહોંચી શકતાં થયેલા મૃત્યુ બાદ સ્કૂલની ફરિયાદ: વેપારીઓના ભારે વિરોધ વચ્ચે ,18 મીટરના રોડની જાળવણી માટે મેગા ઑપરેશન; પોલીસને મધ્યસ્થી કરવી પડી
વડોદરા : શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા અને ગીચતા માટે જાણીતા કડક બજારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની મેગા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ ટ્રક જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ગેરકાયદેસર રીતે બનાવેલા સાતથી આઠ ઓટલાનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું.

કોર્પોરેશનની આ સખત કાર્યવાહીનું મુખ્ય કારણ કડક બજારની પાછળ આવેલી પ્રતાપ સ્કૂલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદ છે. થોડા દિવસ અગાઉ શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જોકે, બજારમાં એટલું બધું દબાણ હતું કે એમ્બ્યુલન્સ સમયસર સ્કૂલ સુધી પહોંચી શકી નહોતી. દબાણના કારણે એમ્બ્યુલન્સ મોડી પહોંચતા શિક્ષિકાને સમયસર સારવાર મળી શકી નહીં અને તેમનું દુઃખદ અવસાન થયું હતું.

આ ગંભીર ઘટના બાદ પ્રતાપ સ્કૂલના સંચાલકોએ વડોદરા મહાનગરપાલિકામાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું હતું.
કાર્યવાહી દરમિયાન વેપારીઓ અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. વેપારીઓએ દાવો કર્યો હતો કે તેમની જગ્યા “કાયદેસર” છે અને VMC તેને તોડી શકે નહીં. વેપારીઓએ જણાવ્યું હતું કે, “જો દબાણ ગેરકાયદેસર હોય તો અમને કોઈ વાંધો નથી, પણ કાયદેસર જગ્યા ન તોડવી જોઈએ.”

જોકે, VMCના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે જાહેર માર્ગ પર અવરજવર માટે 18 મીટરનો રોડ હોવો જરૂરી છે અને આ માટે આગળના ઓટલાઓનું દબાણ તોડવું અનિવાર્ય છે. અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે આ મામલે સામસામી બોલાચાલી વધી જતાં સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો અને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખી હતી.