Dahod

કોર્ટ સંકુલમાંથી અપહરણ પડ્યું મોંઘું: સંજેલી કોર્ટે ત્રણ આરોપીઓને 3 વર્ષની સખત કેદ ફટકારી

સંજેલી કોર્ટ સંકુલમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરવાના ચકચારી બનાવમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું

દાહોદ તા. 6

સંજેલી કોર્ટ સંકુલમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરવાના ચકચારી બનાવમાં કોર્ટે કડક વલણ અપનાવી પિતા, ભાઈ અને પતિ સહિત ત્રણેય આરોપીઓને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે સાથે કોર્ટે દરેક આરોપીને ₹1,000 નો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદાથી કોર્ટ પરિસરમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરનારાઓને સ્પષ્ટ સંદેશો મળ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડોમેસ્ટિક વાયોલેન્સના કેસની સુનાવણી દરમિયાન સમાધાનના બહાને મહિલા પોલીસ કોન્સ્ટેબલને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી સાસરી લઈ જવામાં આવી હતી, જ્યાં તેના પર મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાએ કોર્ટ પરિસરની સુરક્ષા તેમજ મહિલાઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.
આ કેસમાં સરકારી વકીલ એબી તડવી દ્વારા મજબૂત પુરાવા અને અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તમામ સાક્ષીઓ અને પુરાવાની વિસ્તૃત તપાસ બાદ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
તારીખ 5ના રોજ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 365, 323 અને 114 હેઠળ ત્રણેય આરોપીઓને 3 વર્ષની સખત કેદ અને દંડની સજા સંભળાવી હતી.
આ ચુકાદો મહિલાઓ સામેના ગુનાઓ અને કોર્ટ પરિસરમાં થયેલી ગેરકાયદેસર હરકતો સામે કડક કાર્યવાહીનું મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top