Vadodara

કોર્ટમાંથી ભાગી ગયેલો દીપેન પટેલ હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો

વડોદરા: ચકચારી દીપેન પટેલ હત્યા કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આરોપી હાર્દિક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે ગઈકાલે કોર્ટમાં રજૂ કરાયો હતો. દરમિયાન કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીઓ તેને કેન્ટીનમાં લઈ ગયા હતા. ત્યાં પોલીસ કર્મચારી દુકાનદારને રૂપિયા ચૂકવતા હતા, તે દરમિયાન આરોપી નજર ચૂકવીને કેન્ટીનમાંથી બહાર આવ્યા બાદ કોર્ટના પાછળના દરવાજાથી ભાગીને સુરત પહોંચી ગયો હતો. પોલીસને અલગ અલગ ટીમો આરોપીને પકડવા એક્ટિવ થઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી હત્યાના આરોપીને દબોચી લીધો છે.
વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હાર્દિક પ્રજાપતિએ પ્રેમમાં નડતરરૂપ બનનાર દીપેન પટેલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે જે તે વખતે પણ હત્યારા હાર્દિક પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો. દરમિયાન 10 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી હોય હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે કોર્ટ પરિસરમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસની મુદત પડી હોય કોર્ટ કાર્યવાહી બાદ પોલીસ કર્મચારીઓ આરોપીઓને લઈને કેન્ટીનમાં ગયા હતા. ત્યાં પોલીસ કર્મચારી રૂપિયા ચૂકવતા હતા, ત્યારે તેમની નજર ચૂકવીને આરોપી કેન્ટીનમાંથી ભાગ્યો હતો અને કોર્ટના પાછળના ગેટમાંથી રફુચક્કર થઈ ગયો હતો. દરમિયાન પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો એક્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ભાગીને સુરત પહોંચી ગયો છે અને રેલવે સ્ટેશન પર હાજર હોવાની બાતમી મળી હતી જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સુરત ખાતે પહોંચી ગઈ હતી અને હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને દબોચી લીધો હતો. ત્યારે કોર્ટમાંથી ભગાડવામાં આરોપીને કોણે કોણે આર્થિક અને નાણાકીય મદદથી મદદ કરી છે તેની તપાસ શરૂ કરાઇ છે. જો તેમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top