અમદાવાદમાં નોંધાયેલા કેસની આરોગ્ય મંત્રીને જાણ જ નથી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સોમવારે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે ગોત્રીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ મેડિકલને લગતી સુવિધાઓ અંગે માહિતી લીધી હતી. તેમની સાથે સાંસદ ડૉ. હેમાંગ જોશી પણ જોડાયા હતા.
HMVP વાયરસને લઇને આરોગ્ય મંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે અમદાવાદમાં બાળકીનો HMVP કેસ પોઝીટીવ આવ્યો
આ અંગે તેમને જાણકારી નથી. જોકે તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસનાં પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે.
લક્ષણો પ્રમાણે આની સારવાર થશે. આની ટેસ્ટ કીટની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસમાં કરી લેશે. HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે લોકોએ ગભરાવાની જરૂર નથી. જરૂર પડ્યે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઇડલાઈન નક્કી કરાશે .
તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર દુનિયામાં જે રીતે કોવીડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને HMVP વાયરસ પણ વધુ નુકશાન ન કરે તેની સરકારની તૈયારી છે.
ચીનમાં નવા વાયરસ HMVPના પ્રકોપ બાદ હવે ભારતમાં પણ તેની અસર દેખાઈ રહી છે. આ સંદર્ભે દેશભરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક છે. આજે વડોદરાની સરકારી હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, સરકાર વાયરસના સંભવિત ખતરા પર સતત નજર રાખી રહી છે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવા વાયરસ HMVPના લક્ષણો મોટા ભાગે કોવીડ-19 જેવા જ છે, જેમાં શરદી, તાવ, ઉધરસ અને ગળામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે. તબીબો અને આરોગ્ય તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે તેઓ આ લક્ષણોના આધારે દર્દીની સારવાર કરે. વધુમાં રાજ્ય આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નવા વાયરસ માટેની ટેસ્ટ કિટની વ્યવસ્થા ઝડપથી કરવામાં આવી રહી છે. આગામી બે થી ત્રણ દિવસમાં રાજ્યની તમામ હોસ્પિટલોમાં કિટ ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે અને યોગ્ય વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ છે.
આ રોગના ફેલાવાને લઈને કોઈપણ ગભરાટ ન રાખવા મંત્રી ઋષિકેશ પટેલે જનતાને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર અને આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યા છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે જે તકેદારી અપનાવી હતી, તે જ ધોરણે આ નવા વાયરસ સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
હવે ફરી એકવાર સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી બની રહ્યું છે. વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, લોકોએ માસ્ક પહેરવા, હાઈજિન જાળવવા અને સુરક્ષિત દુરી જાળવી રાખવા માટે અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર નવા વાયરસ સામે લડવા માટે સંપૂર્ણ તૈયાર હોય તેવું મંત્રીના નિવેદન પરથી લાગી રહ્યું છે. ટેસ્ટિંગ, સારવાર અને જરૂરી ઉપાયો માટે તંત્ર કામ કરી રહ્યું છે. નાગરિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ અને આરોગ્ય વિભાગના માર્ગદર્શનનું પાલન કરવું જરૂરી છે.