Vadodara

કોયલી ગામના વહીવટદાર પર છેતરપિંડીના આક્ષેપ

મોટર રીપેરીંગના નામે વેપારી સાથે લાખોની ચાલાકી, પત્ર વાયરલ થતા ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા

વડોદરા::વડોદરા તાલુકાના કોયલી ગામે ગ્રામ પંચાયતના તત્કાલીન વહીવટદાર અને ક્લાર્ક સામે મોટર રીપેરીંગના કામના બહાને વેપારી સાથે છેતરપિંડી કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ અંગેનો પત્ર વાયરલ થતાની સાથે વડોદરા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે ભારે ચર્ચા જાગી છે.



શહેરના કપુરાઈ ચોકડી નજીક મહેશ સબમર્સીબલ નામે પેઢી ચલાવતા ઈજારદાર રામભાઈએ વાયરલ કરેલા આ પત્રમાં જણાવ્યું છે કે કોયલી ગામના અંબિકા પાર્ક પાસે બોરમાં મોટર ફસાઈ જતા તેમને કોલ આવ્યો હતો. શરૂઆતમાં તેમણે બોરમાંથી મોટર બહાર કાઢવાનું કામ કરવા ઈનકાર કર્યો હતો, પરંતુ ગામના લોકોની વિનંતિ પછી પોતાના માણસો અને મશીનરી સાથે સ્થળ પર પહોંચી સેવા આપી હતી. ઘણાં પ્રયાસો છતાં મોટર બહાર આવી શકી ન હતી.
તે બાદ ગ્રામ પંચાયતના વહીવટદારે નવા બોર માટે અરજી કરી, પરંતુ કોઈ વહીવટી મંજુરી ન મળતાં રામભાઈએ ઈનકાર કર્યો. વહીવટદારે વિનંતી કરતાં જણાવ્યું કે “વહીવટી મંજુરી માટે બે-ત્રણ મહિના લાગી શકે, પરંતુ હાલ ગામમાં પાણીની તકલીફ છે, તમે બોર કરી દો, ચુકવણી બાદમાં થઈ જશે.” આ આશરે 4 લાખના ખર્ચે 8 ઈંચનો નવો બોર 300 ફૂટ ઊંડાઈ સુધી તૈયાર કરાયો હતો.
બાદમાં નાણાપંચમાંથી માત્ર અઢી લાખની જ મંજુરી મળી અને બાકી રકમ માટે વહીવટદારોએ કોઈ જવાબદાર નોતર્યો. ઉપરાંત રામભાઈએ જૂની મોટર રીપેર કરી નવી પંપ અને એસેસરીઝ સાથે ફીટીંગ કરી આપી હતી. વધુમાં સબમર્સીબલ મોટરની રીવાઈન્ડિંગ અને રિપેરીંગ તબક્કાવાર કરાવી હતી, પરંતુ તમામ કામ પૂરા થયા બાદ ચુકવણીની માંગણી કરતાં વહીવટદારોએ ઉદ્દડતાપૂર્વક વર્તન કરીને “જે થાય તે કરી લ્યો” એવો ઉગ્ર જવાબ આપ્યો હતો.
રામભાઈએ વાયરલ કરેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા 35 વર્ષથી વડોદરા તાલુકા પંચાયતના વિવિધ ગામોમાં આવા કામ કરે છે. કોયલી ગ્રામ પંચાયતના તત્કાલીન વહીવટદાર રાજકીય પ્રભાવ ધરાવતા હોવાથી, રૂપિયા ચૂકવવા ન પડે તે માટે રાજકીય દબાણ લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે.
ચુકવણી ન મળતાં રામભાઈએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અપીલ કરી છે કે તેમણે કોયલી ગામમાં કરેલું બોરવેલનું કામ પાછું ખેંચી લેવાની મંજુરી આપે. આ અરજી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી, પણ અત્યાર સુધી સ્થળ સર્વે કરીને ન્યાય આપવાની કાર્યવાહી થઈ નથી.
આ મામલે ઈજારદારે વડોદરા સાંસદ, જીલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ડભોઇ અને વાઘોડિયા ધારાસભ્યોને પણ લેખિત રજૂઆત કરી છે. રામભાઈએ અંતે જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં ચુકવણી અંગે કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય, તો છેતરપિંડી અંગે ફોજદારી ગુન્હો નોંધાવવાનો વિકલ્પ હાથ ધરાશે.

Most Popular

To Top