ઇજાગ્રસ્ત યુવકને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો
(પ્રતિનિધિ) વડોદરા તા.17
વડોદરા જિલ્લાના કોયલી ગામે રહેતા યુવકે કચરો ફેંકનાર ઇસમને કચરો નહીં ફેંકવાનું કહેતા ત્રણ ઇસમોએ એક યુવક પર લોખંડની પાઇપ તથા લાકડીથી હૂમલો કરતાં યુવકને ઇજાઓ પહોંચી હતી આ દરમિયાન ઈજાગ્રસ્ત યુવકના ભાઇએ તેને એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડ્યો હતો. સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કોયલી ગામમાં લીમડી વાળા મોટા વગામાં અમીતભાઇ સોમાભાઇ ચૌહાણ પોતાના ભાઇ સાથે રહે છે અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.બંને ભાઇઓના માતાપિતા ગુજરી ગયા હોય બે ભાઇઓ સાથે રહે છે.ગત તા.16મી માર્ચે સાંજે સાત વાગ્યાની આસપાસ અમીતનો ભાઇ અજય કામ માટે બહાર ગયો હતો તે દરમિયાન ફળિયાના ખુલ્લી જગ્યામાં ઘરથી નજીક ફળિયામાં રહેતા રોહિત પુનમભાઇ ચૌહાણે કચરો ફેંકતા અમીતે તેને “અહીં કચરો કેમ ફેંકે છે કચરો ઉડીને મારા ઘરમાં આવે છે” તેમ જણાવ્યું હતું જેથી રોહિત ચૌહાણે ઉશ્કેરાઇને અમીત ચૌહાણને ગાળો બોલી અપશબ્દો બોલ્યા હતા આ દરમિયાન ફળિયામાં શોરબકોર થતાં અહીં ફળિયામાં રહેતા જીતેન્દ્ર અંબાલાલ ચૌહાણ તથા ચિરાગ મહેશભાઇ ચૌહાણ પણ આવી ગયા હતા તે દરમિયાન રોહિત ચૌહાણે અમીતને માથાના ભાગે લોખંડની પાઇપ મારી દીધી હતી તથા જીતેન્દ્ર ચૌહાણે કોઇક વસ્તુ મારતાં અમીતને જમણા હાથના પંજા પર ઇજા પહોંચી હતી જ્યારે ચિરાગ ચૌહાણે અમીતને જમણા હાથના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડી હતી અને ત્રણેયે અપશબ્દો બોલી અમીતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ દરમિયાન અમીતનો ભાઇ અજય આવી જતાં ત્રણેય જતાં રહ્યાં હતાં અજયે પોતાના ઇજાગ્રસ્ત ભાઇ અમીતને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો જ્યાં સારવાર બાદ અમીત ચૌહાણે રોહિત પૂનમભાઇ ચૌહાણ, જીતેન્દ્ર અંબાલાલ ચૌહાણ તથા ચિરાગ મહેશભાઇ ચૌહાણ વિરુદ્ધ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
