વિદ્યાર્થી સંગઠન એજીએસયુની વિરોધ સાથે હેડ ઓફિસ ખાતે રજૂઆત :
ત્રણ દિવસની અંદર યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
વિવાદનો પયાર્ય બનતી એમ.એસ.યુનિવર્સીટીમાં 45 દિવસ ઉપરાંતનો સમય છતાં એક્સટર્નલ પરિક્ષાનું પરિણામ જાહેર નહીં કરાતા વિવાદ ઉભો થયો છે. ત્યારે, વિદ્યાર્થી સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્બારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પરિણામો જાહેર કરવા રજૂઆત કરાઈ હતી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. ફેકલ્ટી ઓફ કોમર્સની ટીવાય બીકોમની સેમેસ્ટર 5 અને એસવાય બીકોમ સેમેસ્ટર 3ની એક્સ્ટર્નલ પરીક્ષાના પરિણામો 45 દિવસ વીતી ગયા છતાં પણ જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.

એક સમયની જગ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિવાદનો પર્યાય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીમાં જ્યારે પણ એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે, તેનું પરિણામ સામાન્ય રીતે 45 દિવસની અંદર જાહેર કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે ફેકલ્ટી ઓફ કોમર્સમાં યોજાયેલી ટીવાય બીકોમ સેમેસ્ટર પાંચ અને એસવાય બીકોમ સેમેસ્ટર ત્રણની એક્સટર્નલ પરીક્ષા પૂર્ણ થયાને 45 દિવસ વીતી ગયા છતાં પણ પરીક્ષાના પરિણામો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે, ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના આગેવાન પંકજ જયસ્વાલની આગેવાનીમા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, જો આગામી ત્રણ દિવસની અંદર યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો એજીએસયુ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
Details