Vadodara

કોમર્શિયલ LPG ગ્રાહકો માટે નિયમોમાં મોટો ફેરફાર, હવે ઓઈલ કંપનીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત બનશે

સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાં PNG માટે પણ અરજી કરવી પડશે, વાર્ષિક જરૂરિયાતનો અંદાજ આપવો પડશે

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરા :- કેન્દ્ર સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસના વપરાશને વધુ સુવ્યવસ્થિત કરવા માટે નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હવે તમામ કોમર્શિયલ LPG ગ્રાહકોએ ગેસ જોડાણ મેળવવા અને તેનો ઉપયોગ ચાલુ રાખવા માટે કડક નિયમોનું પાલન કરવું પડશે. આ ફેરફારનો મુખ્ય હેતુ કોમર્શિયલ ગેસના વપરાશ પર દેખરેખ રાખવાનો અને બિનઅધિકૃત વપરાશને અટકાવવાનો છે. નવા અમલી બનેલા નિયમો અનુસાર, દરેક કોમર્શિયલ LPG ગ્રાહકે જે-તે ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં પોતાની સત્તાવાર નોંધણી કરાવવી પડશે. અત્યાર સુધી અનેક કિસ્સાઓમાં નોંધણી વગર કે અન્ય માધ્યમોથી ગેસ મેળવવામાં આવતો હતો, પરંતુ હવે ઓઈલ કંપનીઓ પાસે ડેટા હોવો અનિવાર્ય બન્યો છે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ગ્રાહકો સત્તાવાર રીતે ગેસનો પુરવઠો મેળવી શકશે. માત્ર નોંધણી જ નહીં, પરંતુ ગ્રાહકે પોતાના વ્યવસાયિક ક્ષેત્રની વિગતો પણ આપવી પડશે. ગ્રાહકે તે કયા ક્ષેત્રમાં ગેસનો ઉપયોગ કરે છે અને તેની વાર્ષિક જરૂરિયાત અંદાજે કેટલી રહેશે, તેની લેખિત જાણ કંપનીને કરવાની રહેશે. આનાથી કંપનીઓને ગેસના પુરવઠાનું આયોજન કરવામાં સરળતા રહેશે. વધતા જતા ગેસના વપરાશ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને, સરકારે હવે સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્ક પર ભાર મૂક્યો છે. નિયમો મુજબ, કોમર્શિયલ ગ્રાહકોએ હવે સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) મેળવવા માટે પણ અરજી કરવી પડશે. જે વિસ્તારોમાં પાઇપલાઇન સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં ગ્રાહકોએ LPG થી PNG તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નવા નિયમોના અમલીકરણથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો ચલાવતા કોમર્શિયલ ગ્રાહકોએ હવે વહેલી તકે પોતાની વિગતો અપડેટ કરવી પડશે. નિયમોનું પાલન ન કરનાર ગ્રાહકોના ગેસ જોડાણ પર કાપ મુકાઈ શકે તેવી પણ શક્યતા છે.

Most Popular

To Top