11 થી 14 ઓક્ટોબર દરમિયાન ઈન્ડિયા મેલા 2025નું આયોજન :
ભારતીય સંગીત અને નૃત્ય દ્વારા ભારતનું સન્માન વધારશે : શુભાંગીની રાજે ગાયકવાડ
( પ્રતિનિધી )વડોદરા,તા.8
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આંતરરાષ્ટ્રીય બાબતોના કાર્યાલય દ્વારા હ્યોગો યુનિવર્સિટી જાપાનના સહયોગથી કોબે જાપાન ખાતે 11 થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ઈન્ડિયા મેલા 2025માં યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.

પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું આ પ્રતિનિધિમંડળનું સંકલન ઓઆઈએ ડે.ડિરેક્ટર ડો.વનિષા નામ્બિયાર દ્વારા કરવામાં આવશે. ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ તરફથી ભાગ લેનાર પ્રતિનિધિઓમાં ડો.રાજેશ કેલકર, અધ્યક્ષ, ગાયન વિભાગ, ડો.વિશ્વાસ સંત, અધ્યક્ષ, વાદ્ય વિભાગ, ડો. ચિરાગ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, તબલા, ડો.પ્રીતિ સાઠે દામલે, આસિસ્ટન્ટ પ્રોફેસર, કથ્થક નૃત્ય, જનક જાસકિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગાયન, નિર્મલ ડાભી, વિદ્યાર્થી, કીબોર્ડનો સમાવેશ કરાયો છે. આ ટીમ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું જાપાનમાં પ્રદર્શન કરશે અને ભારત જાપાન સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હંમેશાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો પ્રતિનિધિ રહી છે. ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ઈન્ડિયા મેલામાં ભાગ લઈ રહી છે, તે અમારે માટે ગૌરવની બાબત છે. હું સમગ્ર ટીમને શુભકામનાઓ પાઠવું છું કે તેઓ ભારતીય સંગીત અને નૃત્ય દ્વારા ભારતનું સન્માન વધારશે. વાઇસ ચાન્સેલર પ્રો. ભાલચંદ્ર ભણગેએ કહ્યું હતું કે, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની આ ભાગીદારી એમએસયુની વૈશ્વિક ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે. આપણા કલાકારો જાપાનમાં ભારતની સુગંધ, સ્વર અને લયનું પ્રતિનિધિત્વ કરે તે દરેક માટે ગર્વની વાત છે. હું પ્રતિનિધિમંડળને ખૂબ શુભેચ્છા પાઠવું છું. ડીન પ્રો. ગૌરાંગ ભાવસારે આ આંતરરાષ્ટ્રીય અવસર ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આ ટીમ ભારતીય સંગીત અને નૃત્યની વૈશ્વિક સ્વીકૃતિમાં નવું પાનું ઉમેરશે. હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે તેમની પ્રસ્તુતિ ભારતની પરંપરા અને કલાને જાપાનના શ્રોતાઓ સુધી ઉંચા દરજ્જા સુધી પહોંચાડશે.