Vadodara

કોની પરવાનગીથી વૃક્ષોની છટણી તથા નાના છોડવાઓને જળમૂળથી હટાવી દેવામાં આવ્યા?

લો બોલો! પ્રિમોન્સુનની કામગીરી માટે તોતિંગ વૃક્ષોની છટણી તો ન થઇ પરંતુ રાજમહેલરોડ પર ગરબા માટે ડિવાઇડર વચ્ચે નાના છોડ જળમૂળથી સાફ કરાયા

દરવર્ષે પાલિકા તંત્ર ડિવાઇડર વચ્ચે છોડ, વૃક્ષોના જતન થકી પર્યાવરણ જાળવણી, રાત્રે વાહનચાલકોની સુરક્ષા તથા શહેરની શોભા માટે છોડ, વૃક્ષ ઉછેરે છે તેનું નવ દિવસ માટે નિકંદન કેટલું યોગ્ય?

નવરાત્રી પર્વને હવે માંડ એક દિવસ બાકી છે ત્યારે શહેરમાં ઠેરઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાના મોટા મેદાનો, પ્લોટ્સ પર તો ગરબા યોજાશે જ પરંતુ સાથે સાથે દરવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રાજમહેલરોડ તથા ન્યાયમંદિર નજીક રોડપર ગરબા યોજાશે. આ ગરબા દરમિયાન ખેલૈયાઓ ને ખલેલ ન પડે તે માટે આયોજકોએ રોડ વચ્ચે આવેલા ડિવાઇડર પરના નાના છોડ જળમૂળથી જ દૂર કરી દીધા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, શહેરમાં બે થી ત્રણ વાર પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી દરમિયાન જે મોટા વૃક્ષો હોય કે પછી જમીન અને લોકોના આરોગ્ય માટે, પર્યાવરણ માટે નુકસાનકારક કોનોકાર્પસ જેવા છોડ કે વૃક્ષની છટણીની કામગીરી તો ન કરવામાં આવી પરંતુ રાજમહેલરોડ પર ગરબા માટે ડિવાઇડર વચ્ચે નાના નાના છોડને જળમૂળથી જ કાઢી નાંખવામાં આવ્યા? કોની પરવાનગી થી આ કામગીરી કરવામાં આવી છે?શું પાલિકા તંત્ર ની પરવાનગી લેવામાં આવી છે અને જો આ રીતે પરવાનગી આપી છે તો કોણે આપી?
એક તરફ વડોદરા મહાનગરપાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દસ દરવર્ષે લાખોના ખર્ચે શહેરના ડિવાઇડર વચ્ચે વૃક્ષ કે ઝાડ રોપે છે તેની પાછળ પાણી ,કટીંગ સહિત નિભાવણી, જતન પાછળ નાણાં ખર્ચે છે. પર્યાવરણ તથા રોડની બંને તરફ અવરજવર કરતાં વાળનોની હેડલાઇટ્સથી અકસ્માત ન થાય સાથે જ શહેરની શોભામાં પણ અભિવૃદ્ધિ થાય તે રીતે આયોજન કરવામાં આવે છે જ્યારે બીજી તરફ નવ દિવસની નવરાત્રી માટે ડિવાઇડર વચ્ચે રોપેલા અને જતન કરીને મોટા કરેલા વૃક્ષોને જળમૂળથી નિકાલ કરી દેવું કેટલું યોગ્ય છે? ‘છોડમાં ભગવાન હોય છે’ તો પછી એ ભગવાનની અવહેલના કેટલી યોગ્ય? શું પાલિકા તંત્રના બેવડા માપદંડ છે? આયોજકો તથા ગરબા ખેલૈયાઓ શું ડિવાઇડર ઉપર ગરબા રમાવાના હતા કે પછી એકબીજાના ચહેરા નહી દેખાય એટલા માટે આ છોડવાઓને જળમૂળથી હટાવી દીધાં? શું પાલિકા તંત્ર દ્વારા આયોજકોની આ કરતૂત મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે?પર્યાવરણપ્રેમીઓ અથવાતો પર્યાવરણ વિદો આ મુદ્દે કોઇ એક્શન લેશે ખરા?

એક તરફ આપણે પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષો વાવીએ છીએ, ‘છોડમાં ભગવાન છે’ તેવું કહીએ છીએ બીજી તરફ જે નડતરરૂપ જ નથી તેવા વૃક્ષોની છટણી તથા નાના છોડવાનું નિકંદન કેટલું યોગ્ય છે?

Most Popular

To Top