ખેતરમાં શાકભાજી સાચવવા ગયા હતા તે દરમિયાન લૂંટારૂ ત્રાટક્યા
લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં લૂંટારૂઓ ત્રાટક્યાં હતાં. આ શખ્સોએ ગામની સીમમાં ખેતરમાં રખોપું કરી રહેલા વૃદ્ધાને હથિયારીથી માથામાં મારી 25 હજારના ચાંદીના કડલા લૂંટી લીધાં હતાં. આ અંગે કોઠંબા પોલીસે ગુનો નોંધ્યો હતો.
લુણાવાડામાં રહેતા ભલાભાઇ કાળાભાઈ બારીયાના દાદી ગંગાબહેન પર્વતભાઈ (ઉ.વ.75) સાથે રહે છે. ભલાભાઈએ તેમના ખાંટીવાળા ખેતરમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું. જેની સાચવણી માટે માણસ રાખ્યો હતો. જોકે, 29મી એપ્રિલના રોજ સાંજના ગંગાબહેન ખેતરમાં ગયાં હતાં. રાત્રિના આઠેક વાગ્યાના સુમારે ભલાભાઈ તેમને ટીફીન આપી ઘાસચારો ભરી પરત ઘરે આવ્યાં હતાં. વ્હેલી સવારના સાતેક વાગ્યાના ભલાભાઈ દૂધ આપવા ખેતરમાં ગયાં હતાં. પરંતુ જોતું તો ગંગાબહેન ખાટલામાં સુતા હતા અને બેભાન હાલતમાં હતાં. આથી, ચોંકી ગયેલા ભલાભાઈએ તેમના કાકાના દિકરા બહાદુરને ફોન કરી તે ખેતરમાં દોડી આવ્યો હતો. જોયું તો ગંગાબહેનના માથાના ભાગે જમણા કાનની ઉપરના ભાગે લોહી નિકળતું હતું. આ ઉપરાંત પગમાં પહેરેલા ચાંદીના કડલા 500 ગ્રામના જોવા મળ્યાં નહતાં. જ્યારે કાનમાં પણ કાપ હતો. આથી, તાત્કાલિક 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગંગાબહેનને લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. જ્યાં હાલત ગંભીર હોવાથી ગંગાબહેનને ગોધરા રિફર કરવામાં આવ્યાં હતાં.
આ અંગે ભલાભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગંગાબહેનને કોઇ અજાણ્યા માણસે માથામાં જમણા કાનની ઉપરના ભાગે કોઇ હથિયાર વડે મારી ગંભીર ઇજા કરી તેમજ પગમાં પહેરેલા ચાંદીના કડલા કિંમત રૂ.25 હજારની લૂંટ કરી ગયો છે. આ અંગે કોઠંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.