Vadodara

કોટંબી સ્ટેડિયમમાં રમાતી WPL મેચ પર સટ્ટાબેટિંગનો પર્દાફાશ

વિંગની બેઠક વ્યવસ્થામાંથી લાઈવ મેચ પર સટ્ટો રમાડતા પાંચ ઈસમો ઝડપાયા, રૂ. 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રતિનિધિ) વડોદરા | તા. 23
બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટંબી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL) દરમિયાન ઓનલાઈન સટ્ટાબેટિંગના મોટા રેકેટનો ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર વિંગની બેઠક વ્યવસ્થામાંથી લાઈવ મેચ પર સટ્ટો રમાડતા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ WPL-2026ની મેચો વડોદરા જિલ્લાના બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે. ગુરુવારે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે ચાલી રહેલી મેચ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે સ્ટેડિયમના અંદરના ભાગે આવેલા વિંગની બેઠક વ્યવસ્થામાં કેટલાક ઈસમો મોબાઈલ ફોન મારફતે લાઈવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટાનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
આ ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા પાંચ શખ્સો ઝડપાયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓ પોતાના મોબાઈલ ફોનમાં ગૂગલ ક્રોમ સર્ચ એન્જિન મારફતે અલગ-અલગ સાઇટ્સનો ઉપયોગ કરી રન ફેર સેશન સહિતના સોદાઓ કરીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રહ્યા હતા.
રૂ. 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત
એલસીબી દ્વારા 8 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 2,20,000) તથા રોકડા રૂ. 8,720 મળી કુલ રૂ. 2,28,720નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા પાંચેય ઈસમો વિરુદ્ધ જરોદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આઈડી ક્યાંથી ખરીદવામાં આવી હતી અને આ સટ્ટાબેટિંગમાં અન્ય કયા ઈસમો સંડોવાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા પાંચ ઈસમો રાજ્ય બહારના, મોટા રેકેટની આશંકા
અનિલ કુમાર સોની – મધ્ય પ્રદેશ
સચિતાનંદકુમાર યાદવ – બિહાર
ઇમરાન ઇકબાલ સૈયદ – મહારાષ્ટ્ર
નિતેષકુમાર સોનાર – હરિયાણા
મોહિત ઉર્ફે અનુજ ચૌધરી – રાજસ્થાન

Most Popular

To Top