પ્રતિનિધિ વડોદરા તા. 11
₹ 2.05 કરોડના ખર્ચે વોર્ડ નંબર 1 ની કચેરી ઘણા સમયથી બનીને તૈયાર છે. પરંતુ કચેરીનું લોકાર્પણ હજી ન થયું હતું તેનું કારણ અકબંધ છે. આવતીકાલે 13મી ઓગસ્ટ ના રોજ ગુજરાત વિધાનસભાનાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ના હસ્તે અને વડોદરાના મેયર પિંકી સોની ની ઉપસ્થિતિમાં આ કચેરીનું લોકાર્પણ થવાનું છે.
થોડા દિવસ અગાઉ જ વોર્ડ નંબર 1 નાં કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને નવી બનેલ કચેરીનું લોકાર્પણ થાય તે માટે માંગણી કરવામાં આવી હતી. મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે ઘણા સમયથી વોર્ડ નંબર 1 ની કચેરી બનીને તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું ઉદ્ઘાટન કોણ કરશે તેવી રાહ જોવાઈ રહી છે.
પરંતુ હવે પુષ્પા વાઘેલાએ કરેલ વિરોધ નો પડઘો વડોદરા મહાનગરપાલિકામાં જોવા મળ્યો હતો અને તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની કચેરીનું લોકાર્પણ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રકરણથી ઘણા બધા સવાલો ઊભા થાય છે કે સાચે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ કચેરીના લોકાર્પણ માટે કોઈ ઉદ્ઘાટકની રાહ જોઈ રહી હતી. અને જ્યારે કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે તંત્ર દ્વારા લોકાર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું.