દિવા તળે જ અંધારા જેવો ઘાટ: વડોદરા મહાનગરપાલિકાનો જ્યાંથી સમગ્ર કામગીરી અંગેનો વહિવટ ચાલે છે તે જ વોર્ડમાં વેરો ભરતી જનતાને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું?
છેલ્લા ઘણા સમયથી ઇલેક્શન વોર્ડ નં.13માં દૂષિત પાણીની સમસ્યા છતાં તેનું યોગ્ય નિરાકરણ ન આવતા કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવામાં આવી
(પ્રતિનિધિ) વડોદરા તા. 20
શહેરમાં વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા તંત્ર સાથે જ જ્યાંથી આખા વડોદરાના વિવિધ કામગીરીઓ માટે વહિવટ થાય છે અને જ્યાં મોટા મોટા અધિકારીઓ બિરાજે છે જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, મેયર, ચેરમેન સહિતના પાલિકાના અધિકારીઓ ની મુખ્ય કચેરી છે અને જ્યાં સામાન્ય સભા હોય કે કોઇપણ મિટિંગ દરમિયાન પાલિકામાં સભ્યો માટે અધિકારીઓ માટે બહારથી મિનરલ વોટરની બોટલ આપવામાં આવે છે પરંતુ એ જ પાલિકા કચેરી વોર્ડ નં.13માં વેરો ભરતી જનતાને છેલ્લા ઘણા સમયથી પીવાનું શુધ્ધ પાણી મળતું નથી. બીજી તરફ આ વિસ્તારમાં કોલેરા, ટાઇફોઇડ સહિત પાણીજન્ય રોગચાળો પણ ફેલાયો છે અગાઉ ઘણીવાર કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર બાળુભાઇ સૂર્વે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી છતાં નિરાકરણ ન આવતા શુક્રવારે કોંગ્રેસના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મ્યુનિ. કમિશનરને બે ગ્લાસમાં પાણી આપી રજૂઆત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર શહેરમાં હાલ કોલેરા, કમળાના, ટાઇફોઇડ, ડેન્ગ્યુ સહિતનો રોગચાળો જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીની જૂની લાઇનો છે જેની નજીક થી ડ્રેનેજ લાઇનો પસાર થાય છે અને ઘણીવાર આવી પીવાના પાણીની લાઇનના લિકેજથી ડ્રેનજના પાણી મિક્સ થઇ જતાં હોય છે સાથે જ ચોમાસામાં શહેરમાં પાણી પૂરું પાડતા ફ્રેન્ચવેલથી પણ ડહોળું પાણી આવી જાય છે. સાથે જ પાલિકાના પ્રિમોન્સુનની કામગીરીમાં આયોજનના અભાવે પાણીની ટાંકીઓની સફાઇ ન થતાં ગંદું પાણી પીવા વેરો ભરતી જનતા મજબૂર બની છે અને બિમારીઓનો ભોગ બની રહી છે. ઇલેક્શન વોર્ડ-13 માં દૂષિત પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જેની મ્યુનિ. કાઉન્સિલર બાળુભાઇ સૂર્વે દ્વારા વારંવાર રજૂઆત છતાં યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે કોંગ્રેસના નગરસેવકો દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ બે ગ્લાસમાં દૂષિત પાણી પીવા અપાયું હતું.