ક્યારે સુધરશે આ તંત્ર ? કેમ નાગરિકોની સુરક્ષા સાથે કરવામાં આવી રહ્યા છે ચેડાં?
કેવડા બાગ પાસે આવેલ જર્જરીત ઈમારતને ધરાશાયી કરતી વખતે બની મોટી દુર્ઘટના, સદનસીબે કોઈ જાનહાની ન થઈ..
વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સંચાલિત જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરી અગાઉ કેવડાબાગ પાસે કોર્પોરેશનની જર્ચરિત ઇમારતમાં કાર્યરતમાં હતી. જુની ઈમારત ખૂબ જ જર્જરીત હાલતમાં હોવાથી તેને માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે લઈ જવામાં આવી હતી. છેલ્લા દસ દિવસથી જર્જરીત ઈમારતને ધરાશાયી કરવાનું કામ ચાલુ છે. પરંતુ આજે બનાવ એવો બન્યો કે કોર્પોરેશન ની બેદરકારીને કારણે બાજુમાં જ આવેલી સોસાયટીનાં લોકોનાં જીવ જોખમ માં મુકાયા હતા.
આજરોજ દિવસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ના કોન્ટ્રાક્ટર દ્વારા સોસાયટી બાજુ આવેલ ઈમારતનો હિસ્સો ધરાશાયી કરવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન ઈમારતની દિવાલ અને છતનો હિસ્સો સોસાયટી ના રસ્તા પર અને સામે આવેલ એક મકાન પર ધડાકાભેર પડ્યો હતો. નસીબદાર હતી એ દીકરી જે આ બનાવમાં માંડ માંડ બચી ગઈ હતી. જ્યાં કામ ચાલતું હતું ત્યાં સોસાયટીના રસ્તા પર સગીરા પસાર થઈ રહી હતી અને તે સમયે અચાનક જ અને દીવાલનો હિસ્સો સોસાયટીના રસ્તા પર પડ્યો. આ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં રહેતા નાગરિકો માં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
આ ઘટનામાં સામે આવેલ મકાનની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ચાલુ વીજ લાઈન નો કેબલ નીચે રસ્તા પર આવી પડ્યો હતો જેથી સ્થાનિકોના જીવ ફરીથી જોખમમાં મુકાયા હતા. ત્યારબાદ સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટરને કામ કરતાં રોકી દેવાયો હતો. આ સાથે જ અંડર ગ્રાઉન્ડ આવેલ ઘરેલુ ગૅસની લાઈન પણ લીકેજ થઈ ગઈ હતી જે કારણે સમગ્ર વિસ્તારમાં ગૅસનો પુરવઠો પણ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. આટલી મોટી ઘટના બાદ પણ વડોદરા મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા. સ્થાનિકો દ્વારા સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મેયરને સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સતત તેમના ફોન વ્યસ્ત હોવાથી સંપર્ક થયો ન હતો.
અહીંયા સવાલો એ ઊભા થાય છે કે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આટલું મોટું કામ હાથ ધરવામાં આવ્યું હોય તો આસપાસ રહેતા સ્થાનિકોની સેફટીનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું? આ કામ દરમિયાન પાલિકાના અધિકારીઓ સ્થળ પર કેમ હાજર ન હતા ? અને ઘટના બાદ પણ સ્થળ પર ન પહોંચ્યા. ઘટના થયાના કલાકો બાદ સ્થાનિક કોર્પોરેટરો સ્થળ પર પહોંચ્યા હતા. કેમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે?