Vadodara

કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ

કેલનપુર પાસે મોડી રાત્રે મગર દેખાતા દોડધામ

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે સાડા પાંચ ફૂટના મગરને બચાવ્યો

અડધા કલાકની જહેમત બાદ મગરને વનવિભાગને સોંપાયો

(પ્રતિનિધિ) વડોદરા, તા. 18
વડોદરા શહેર નજીક કેલનપુર પાસે નવાપુરા–ડભોઈ રોડ પર આવેલી જીએમ પેકેજીંગ કંપનીમાં અચાનક મગર ઘૂસી આવતા હાજર કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. કંપની પરિસરમાં મગર દેખાતા કર્મચારીઓએ તરત જ સુરક્ષિત અંતર રાખી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી.

રેસ્ક્યુ માટે ટીમ તાત્કાલિક દોડી આવી

બનાવની જાણ થતાં વડોદરા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે રાત્રિના સમયે જી.એમ. પેકેજીંગ કંપનીમાં મગર હોવાનો કોલ મળતા સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને કાર્યકરો સાથે વડોદરા વન વિભાગના અધિકારી જીગ્નેશભાઈ પરમારને લઈને તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

ગેટ પાસે જોવા મળ્યો સાડા પાંચ ફૂટનો મગર

ટીમ સ્થળે પહોંચતા કંપનીના ગેટ પાસે આશરે સાડા પાંચ ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મગરને કાબૂમાં લેવા માટે સુરક્ષિત રીતે રેસ્ક્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અડધા કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યુ

લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ મગરને સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થવા પામી ન હતી. મગરનું સફળ રેસ્ક્યુ થયા બાદ કંપનીના કર્મચારીઓ અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top