ગોરવામાં ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત જનતાએ ડેપ્યુટી મેયર અને MLAના ફોટા પર ગંદું પાણી રેડી નોંધાવ્યો વિરોધ!
અલ્ટીમેટમ પણ અપાયુ: જો સમસ્યા નહીં ઉકેલાય તો હવે મ્યુનિસિપલ કમિશનર પર થશે ગંદા પાણીનો અભિષેક
વડોદરા : શહેરના વોર્ડ નંબર 11 હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવા અને દૂષિત પીવાના પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરા મહાનગરપાલિકા માં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે જય ગણેશ સોસાયટી, અંબે સોસાયટી અને શિવશક્તિ સોસાયટીના રહીશોનો પિત્તો છટક્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુર રોકડિયાના ફોટા પર ગંદા પાણીનો અભિષેક કરી અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ગટર અને પીવાના પાણીની લાઈનો મિક્સ થઈ ગઈ છે, જેના કારણે નળમાં અત્યંત ગંદું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. આ દૂષિત પાણીને કારણે બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું કે, તેમના બાળકને કમળો થઈ ગયો છે અને તેમને દરરોજ બીજાના ઘરેથી પાણી ભરી લાવવું પડે છે.

રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ નિયમિતપણે પ્રોપર્ટી ટેક્સ અને લાઈટ બિલ ભરે છે, તેમ છતાં પાલિકા તેમને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. પાણીનો ફોર્સ ઓછો હોવાને કારણે સ્થાનિકોએ મહિનામાં બે-ત્રણ વાર ₹350 થી ₹400 ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુર રોકડિયા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ તેમના ફોટા પર ગંદા પાણીનો જલ અભિષેક કર્યો અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરામાં ‘નલ સે જલ’ જેવી યોજનાઓ વચ્ચે ગ્રાઉન્ડ લેવલ પર જનતા પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે વલખાં મારી રહી છે, ત્યારે તંત્ર આ બાબતે ક્યારે જાગશે તે જોવું રહ્યું.
સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી…
*જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
*”પાણી નથી તો વોટ નથી” ના સૂત્રોચ્ચાર સાથે નેતાઓને સોસાયટીમાં ન પ્રવેશવા દેવાની પણ ચેતવણી આપી છે.
*જો આગામી દિવસોમાં સુધારો નહીં થાય, તો મ્યુનિસિપલ કમિશનર પર પણ ગંદા પાણીનો અભિષેક કરવાની રહીશોએ તૈયારી બતાવી છે