ફતેગંજની જૈતુનનગર વસાહતમાં રાત્રે જમવાનું બનાવતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું; ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા : શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી જૈતુનનગર વસાહતમાં રવિવારની મોડી રાત્રે જમવાનું બનાવતી વખતે થતી વાતચીતથી ઉશ્કેરાઈને ત્રણ શખ્સોએ બે સગા ભાઈઓ પર લોખંડના સળીયા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરાના જૈતુનનગરમાં રહીને ટ્રક ડ્રાઇવિંગ કરતા ચંદ્રશેખર મેઘસિંહ યાદવ (ઉ.વ. ૪૩) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૫/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૮:૩૦ વાગ્યાના સુમારે તેઓ તેમના ભાઈ હરવિજય અને અન્ય સાથીદારો સાથે રૂમમાં જમવાનું બનાવતા હતા અને નોકરી બાબતે વાતો કરતા હતા.
તે દરમિયાન સામેના રૂમમાં રહેતા આદીલખાન પઠાણ, સાલીમ અને દાનીશ નામના શખ્સો ત્યાં આવ્યા હતા અને “તમે કેમ જોર જોરથી બોલો છો” તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા.
તકરાર વધતા આદીલખાન અને સાલીમ પોતાના રૂમમાંથી લોખંડના સળીયા લઈ આવ્યા હતા. આદીલખાને ફરિયાદ કરનાર ચંદ્રશેખરના માથામાં અને જમણા હાથે સળીયો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. સલીમે વચ્ચે છોડાવવા પડેલા હરવિજયના માથામાં સળીયો માર્યો હતો. દાનીશે બંને ભાઈઓને ગડદા પાટુનો માર માર્યો હતો.
હુમલા દરમિયાન રૂમમાં હાજર અન્ય સાથીદારોએ વચ્ચે પડીને બંને ભાઈઓને વધુ માર ખાતા બચાવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ફતેગંજ પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૧૧૭(૨), ૧૧૫(૧), ૨૯૬(બી), ૫૪ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર રમેશભાઈ કાળુભાઈ બારીયા ચલાવી રહ્યા છે.