( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વડોદરા આવેલા કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીની સુરક્ષાને લઈ સવાલો ઉઠવા પામ્યા હતા. કાર્યક્રમ બાદ પરત ફરતી વેળાએ તેઓના કાફલા પાછળ ત્રિપુટીએ બાઈક રમફાટ દોડાવી હતી. આટલુંજ નહિ બિલકુલ ધોનીની ગાડી બાજુમાં જ ત્રિપુટી આવી પહોંચી અને ધોની ભાઈ ધોની ભાઈની બુમરાણ મચાવવા સાથે ચાલુ બાઈકે ધોનીનો અને યુવકોએ પોતાનો પણ વીડિયો બનાવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કેપ્ટન કૂલ તરીકે જાણીતા એમ.એસ.ધોની, એન્કર કમ હોસ્ટ મનીષ પોલ અને હાસ્ય કલાકાર કિકુ શારદા એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા વડોદરા આવી પહોંચ્યા હતા. ધોનીની એક ઝલક જોવા માટે રસિકોએ પડાપડી કરી હતી.તેવામાં પરત ફરતી વખતે ધોનીના કાફલા પાછળ બાઈક પર સવાર ત્રણ યુવકોએ બાઈક પુરપાટ દોડાવી અને બિલકુલ ધોનીની ગાડીની બાજુમાં રોડ પર બાઈક ચલાવી ધોની ભાઈ ધોની ભાઈની બુમરાણ મચાવી મૂકી હતી.

આટલુંજ નહીં ચાલુ બાઈક પર મોબાઇલથી ધોની અને પોતાના દ્રશ્યો પણ કેદ કર્યા,જોકે ધોનીએ પણ તેમના ફેન્સને હાથ બતાવી કારની લાઈટ બંધ કરી દીધી હતી.બીજી તરફ આ ફેન્સ યુવકોએ પોતાના જીવને જોખમમાં મૂકી દીધો હતો.ધોનીના કાફલામાં આગળ પાછળ પીસીઆર વાન પણ દોડી રહી હતી.જો કોઈ અનિચ્છનીય ઘટના બનતી તો જવાબદાર કોણ તેવા સવાલો પણ આ વીડિયો વાયરલ થયા બાદ ઉઠવા પામ્યા છે.