અમદાવાદના એજન્ટે દંપતીને વિદેશ મોકલવાનો લોભ આપીને ચુનો ચોપડ્યો
રૂપિયા અને વિઝા નહી મળે તારાથી થાય તે કરી લેજે તેવી ઠગોએ ધમકી પણ આપતા ફરિયાદ
પ્રતિનિધિ વડોદરા તા.10
પાદરા તાલુકાના રણુ ગામના યુવાનને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને તેની પાસેથી ઠગોએ રૂપિયા 4.55 લાખ પડાવી લીધા હતા. પરંતુ ઘણો સમય થઇ ગયો હોવા છતાં ઠગોએ કોઇ વિઝા આપ્યા ન હતા. વિઝા બાબતે પુછતા તેણે તને કોઇ વિઝા મળશે કે રૂપિયા પણ પાછા નહી આપુ તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. જેથી યુવકે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
પાદરા તાલુકાના રણુ ગામે રહેતા સચિનભાઈ રમેશભાઈ મોરી (ઉ.વ.27) એ નોધાવેલી ફરિયાદ મુજબ તેઓ કલર બિયરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેમણે વર્ષ 2022 દરમિયાન તેમના મોટા ભાઈ જયદીપભાઈ મોરીના ઓળખીતાના મારફતે અમદાવાદના નિતીન જયંતીભાઈ પટેલ સાથે સંપર્ક થયો હતો. નિતીન પટેલે તેમને તથા તેમની પત્ની જયમિનાબેનને કેનેડા વર્ક પરમીટ વિઝા અપાવી 6 મહિનામાં કેનેડા મોકલી આપવાની ખાતરી આપી હતી. જેના બદલામાં વ્યક્તિ દીઠ રૂ. 6.50 લાખ ખર્ચ થશે તેમ કહી અલગ અલગ પ્રોસેસના નામે રૂપિયા માંગ્યા હતા. તેમણે ઓનલાઇન વર્ષ 2022 દરમિયાન ટુકડે ટુકડે રૂ.4.55 લાખ નિતીન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં નિતીન પટેલ તેમના સહયોગી કમલેશકુમાર બાબુલાલ ભાવસાર સાથે તેમના ઘરે આવ્યા હતા અને પાસપોર્ટની નકલ તથા અન્ય દસ્તાવેજો પણ લઈ ગયા હતા.
પરંતુ ઘણા મહિના વીતી ગયા છતાં તેઓએ કોઇ વિઝા આપ્યા નહોતા. જેની પૂછપરછ કરતાં નિતીન પટેલ વારંવાર બહાના બનાવી વાયદા કરતો હતો. ત્યારબાદ તેણે સ્પષ્ટ કહી દીધું હતુ કે હું તને વિઝા પણ નહિ આપું કે તારા રૂપિયા પણ પાછા નહિ આપું તારાથી જે થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તો આરોપીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી તેમના મિત્રો સાથે આરોપીના ઘરે ગયા હતા પરંતુ ત્યાંથી પણ તેઓ મળી આવ્યા નહોતા. તેના ઘરની આસપાસમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરોપી વિઝાનું કોઈ કામ જ કરતો નથી. જેથી પાદરા પોલીસ ઠગ નિતીન જયંતી પટેલ (રહે.અમદાવાદ) તથા કમલેશકુમાર બાબુલાલ ભાવસાર (રહે. અમદાવાદ) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.