Charotar

કેનેડામાં રહેતા પતિએ પત્ની પાસે રૂ.50 લાખ દહેજમાં માંગ્યાં

નડિયાદની યુવતીને એનઆરઆઈ સાથે લગ્ન કર્યા બાદ પછતાવવું પડ્યું

કેનેડામાં સ્ટોર નાંખવા પિયરમાંથી નાણા લાવવા દબાણ કરતો હતો

(પ્રતિનિધિ) નડિયાદ તા.4

નડિયાદ શહેરમાં યુવતીએ કેનેડામાં રહેતા યુવક સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્નના ગણતરીના દિવસોમાં જ પતિએ પોત પ્રકાશ્યું હતું અને યુવતીને પિયરમાંથી રૂ.50 લાખ લાવવા દબાણ કરી ધમકાવવા લાગ્યો હતો. આ ઉપરાંત મારઝુડ કરતો હતો. આ અંગે યુવતીએ પિયરમાં આવી પતિ સહિત ચાર સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

નડિયાદના કોલેજ રોડ પર આવેલા ડિસ્કવેર ફ્લેટમાં રહેતા રાકેશ પ્રવિણકુમાર ભટ્ટની દિકરી ધૃવી હાલ બીબીએમાં અભ્યાસ કરે છે. ધૃવીના લગ્ન કેનેડા રહેતા શુભમ ભરતભાઇ મોદી (મુળ રહે. અમદાવાદ) સાથે 10મી સપ્ટેમ્બર,2023ના રોજ કેનેડામાં થયાં હતાં. બાદમાં શુભમે અચાનક 25મી ઓક્ટોબર,2023ના રોજ ભારત આવવા બારોબાર ટીકીટ બુક કરાવી દીધી હતી અને 28મીએ અમદાવાદ આવ્યાં હતાં. બીજા દિવસે તેઓ નડિયાદ પણ આવ્યાં હતાં. આ સમયે શુભમે પોત પ્રકાશ્યુ હતુ અને તેણે 30મી ઓક્ટોબર,2023ના રોજ  પૈસા બાબતે ઝઘડો કર્યો હતો. બાદમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ 5મી નવેમ્બર,2023ના રોજ લગ્ન કર્યાં હતાં. આ લગ્ન બાદ તેઓ ઉદેપુર ફરવા ગયાં હતાં. જ્યાં શુભમે ફરી જણાવ્યું હતું કે, તારા પિતાને કહી દેજે કે, મારે કેનેડામાં સ્ટોર નાંખવાનો છે. તો દહેજ પેટે રૂ.50 લાખ આપે. જેથી ધૃવીએ આટલી મોટી રકમ એક સાથે નહીં આપી શકે તેમ કહેતા શુભ ઉશ્કેરાઇ ગયો હતો અને ગમે તે થાય આટલી રકમ મને કરી આપવી જ પડશે. નહીં તો હું તને છુટાછેડા આપી દઇશ. તેમ કહી અપશબ્દ બોલી ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે ધૃવીએ આ બાબતે માતા – પિતાને જાણ કરતાં તેઓએ થોડા ઘણા પૈસાની સગવડ કરી આપવા ખાતરી આપી હતી. ઉદેપુરથી પરત અમદાવાદ આવતાં ધૃવીએ આ અંગે સાસુ – સસરાને વાત કરી હતી. પરંતુ તેઓએ પણ દિકરો કહે તે રકમ તું લાવી આપ. નહીંતર આ ઘરના તમામ દરવાજા તારા માટે બંધ થઇ જશે. અમે તને ઘરમાંથી કાઢી મુકીશું. બીજી તરફ 27મી નવેમ્બર,2023ના રોજ શુભમ કેનેડા જતો રહ્યો હતો.

શુભમ કેનેડા ગયો બાદ પણ ફોન કરી અપશબ્દ બોલી ધૃવી પાસે નાણા મંગાવતો હતો. જોકે, જેમ તેમ કરી કુલ 14 હજાર ડોલર જોઇન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં. જે એકાઉન્ટ શુભ જ ઉપયોગ કરતો હતો.  બીજી તરફ શુભમ વારંવાર ફોન કરી ઝઘડો કરતો હતો. જ્યારે સાસરિયા પણ ઘરમાં નોકરાણી બનીને રહેવાનું છે, નહીંતર છુટાછેડા આપી દઇશું. તેવી ધમકી આપતાં હતાં.

દરમિયાનમાં ધૃવીએ 12મી ફેબ્રુઆરી,2024ના રોજ ખાનગી કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે નોકરી ચાલુ કરી હતી. પરંતુ તેના સાસુ સંગીતાબહેન, સસરા ભરતભાઈ મોદી અને નણંદ દીપા મ્હેણાં – ટોણાં મારતાં રહેતાં હતાં. આ ઉપરાંત શુભમ પણ નોકરી પર હાજર હોય ત્યારે ફોન કરી ઝઘડો કરતો હતો. હજુ મામલો ઠંડો પડે ત્યાં શુભમે 28મી એપ્રિલ,2024ના રોજ ફોન કરી પૈસા નહીં આપે તો હું તારી પીઆરની ફાઇલ વિડ્રો કરી દઇશ. તેમ કહી અપશબ્દ કહ્યાં હતાં. આથી, ધૃવીએ ફોન કાપી નાંખતાં તેની સાસુએ થપ્પડ મારી દીધી હતી અને ફોન કેમ કાપ્યો ? આ બાબતે પિયરમાં પણ જાણ કરી હતી. નણંદ પણ ઝઘડો કરી તારા પગલાં અમારા ઘરમાં જોઈએ નહીં. તારે દહેજની રકમ લઇને આવજે. તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી પહેરેલ કપડે જ ધક્કો મારી ઘરમાંથી કાઢી મુક્યાં હતાં. આખરે 29મી એપ્રિલ,24ના રોજ ધૃવી પિયર આવી ગઈ હતી. બાદમાં ચાર મહિના થવા છતાં સાસરિયા તેડવા આવ્યાં નહતાં. આ દરમિયાન 23મી જૂન,2024ના રોજ શુભમે પીઆરની ફાઇલ વિડ્રોવલ કરવા કાર્યવાહી કરી હતી. આ અંગે કેનેડાથી લોયરનો ફોન આવ્યો હતો અને તેઓએ ફાઇલ વિડ્રો કરી નાંખવા બાબતે જણાવી દીધું હતું.  આખરે આ અંગે ધૃવીએ ખેડા જિલ્લા મહિલા પોલીસ મથકે પતિ શુભમ ભરત મોદી, સાસુ સંગીતાબહેન, સસરા ભરતભાઇ અને નણંદ દીપાબહેન સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top