નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતને પગલે ટ્રાફિકજામ
અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર


( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સુંદરપુરા પાટીયા નજીક કૂતરું આડે આવતા બ્રેક મારતા દંપતિ નીચે પટકાયું હતું. દરમિયાન પાછળથી અજાણ્યા વાહનના પૈડાં ફરી વળતા પત્નિનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે કપુરાઈ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
કપુરાઇ પોલીસ મથકે ફરિયાદી યજ્ઞેશભાઈ નટવરભાઈ પટેલ ઉ.વ.55 ધંધો-નિવૃત રહે-બી/45 ધનલક્ષ્મી ગૃહ સંકુલ ભરુચી નાકા અંકલેશ્વર ભરૂચ નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો વાહન ચાલક સવારના ને.હા.48 પર સુંદરપુરા પાટીયા નજીક અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે રોડ વડોદરા શહેર નજીક તેઓ પોતે તથા પત્ની જયશ્રીબેન બંને તેઓનુ મોટર સાયકલ લઈને પોતાના દિકરા કેનનના ઘરે શિવાલયા રેસિડેન્સી લક્ષ્મિપુરા ગોત્રી રોડ વડોદરા ખાતેથી અંક્લેશ્વર ખાતે જતા હતા, તે વખતે નેશનલ હાઈવે પર સુંદરપુરા પાટીયા નજીક અમદાવાદથી સુરત તરફ જતા રોડ પર પહોચતા આગળ કુતરૂ આવી જતા યજ્ઞેશભાઈએ પોતાની બાઈકને બ્રેક મારી હતી. જેથી બાઈક જમણી બાજુએ સામાન્ય સ્લિપ ખાઈ જતા પતિ-પત્ની બંને જમણી બાજુએ રોડ પર પડી ગયા અને તે સમયે પાછળથી એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે અને બેફીકરાઇથી ચલાવી લાવી પત્ની જયશ્રીબેન પર ટાયર ચઢાવી પેટ તથા સાથળના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોચાડી સ્થળ પર મોત નીપજાવી પોતાનુ વાહન લઈ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. જે બનાવ સંદર્ભે કપુરાઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.



તરસાલી બાયપાસ હાઈવે પર ત્રિપલ અકસ્માત : ચાલક કેબિનમાં ફસાયો
મુંબઈથી દિલ્હી તરફ ટ્રક લઈ જઈ રહ્યા હતા. વડોદરા બાયપાસ એક બસ વાળાએ પાછળથી ઓવરટેક કરીને મારી આગળ ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી અને રોડ સાઇડ ઉપર ગાડી લગાવી દીધી અને કહ્યું હતું કે, મારો સાઈડ ગ્લાસ તે તોડી નાખ્યો છે અને દંડો લઈને મને ડ્રાઇવર કંડકટર ને માર્યો હતો. 20 મિનિટ સુધી ઝઘડો ચાલ્યો હતો, તેવામાં એક મિક્સર મશીન પાછળથી આવ્યું હતું, તેણે પણ અમારી ગાડીની આગળ ગાડી લગાવી દીધી હતી. જેને અમારા બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તેવામાં અચાનક પાછળથી એક સળિયા ભરેલું ટ્રેલર જે ઊભેલી ગાડીમાં પાછળથી ઘૂસી ગયું હતું. જેથી કરીને મારી ગાડી આગળની ગાડીમાં ઘૂસી ગઈ હતી. ટેલરમાં મોટું નુકસાન થયું હતું. ડ્રાઇવર ફસાઈ ગયો હતો. જેને એક થી દોઢ કલાકની ભારે જહેમત બાદ ઇઆરસી ફાયરના જવાનોએ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો, ખાનગી લકઝરી બસના ચાલકનો વાંક હતો. તેના કારણેજ આ અકસ્માત થયો હોવાનું હરિયાણાના ટ્રક ચાલક મહંમદ સાકીરે જણાવ્યું હતું.