નેશનલ એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 1 ઓગસ્ટ 2026થી પ્રતિ કૂતરા પાછળ 1,650 રૂપિયા નક્કી કરાયા
સમયાંતરે કૂતરાના ખસીકરણ અને રસિકરણની સંખ્યામાં ઘટાડો થયો પણ ખર્ચમાં કોઈ ઘટ થઈ નહીં
ખસીકરણ માટેની એક જ પ્રક્રિયા હોવા છતાં અમદાવાદ અને વડોદરામાં કૂતરાના રસીકરણ અને ખસીકરણના ખર્ચમાં મોટો તફાવત જોવા મળે છે. તાજેતરમાં નેશનલ એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા આ કામગીરી માટે 1 ઓગસ્ટ 2026થી પ્રતિ કૂતરા પાછળ 1,650 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે વડોદરા મહાપાલિકાએ છેલ્લા કેટલાય વર્ષોમાં આ દર કરતાં વધુ ખર્ચ શા માટે કર્યો. વિભાગના અધિકારીઓના કહેવા મુજબ દર વર્ષે આ યોજના પર આશરે 1 કરોડ જેટલો ખર્ચ થાય છે, તેમ છતાં શહેરમાં રોજ 5 થી 6 ફરિયાદો રખડતા કૂતરાની મળે છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ વર્ષ 2016-17 થી 2025-26ના જુલાઈ સુધીમાં વડોદરામાં કુલ 85 હજારથી વધુ કૂતરાનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે અને તેના પાછળ 8 કરોડ 86 લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચ થયો છે. 2016-17માં સૌથી વધુ 14,474 કૂતરાનું ખસીકરણ કરીને 1 કરોડ 36 લાખથી વધુ ખર્ચ થયો હતો. ત્યારબાદના વર્ષોમાં ખસીકરણની સંખ્યા ઘટી છે, પરંતુ ખર્ચમાં કોઈ મોટા ઘટાડો થયો નથી. 2024-25માં ફક્ત 5,509 કૂતરાનું ખસીકરણ થયું, છતાં ખર્ચ 90 લાખથી વધુ રહ્યો હતો. 2025-26માં જુલાઈ સુધીમાં 2,032 કૂતરાનું ખસીકરણ થઈ ચૂક્યું છે અને તેના પાછળ 33.32 લાખ રૂપિયા ખર્ચાયા છે. આમ એક જ પ્રકારની પ્રક્રિયામાં દર વર્ષે અલગ અલગ ભાવો વડોદરા કોર્પોરેશને ઇજારદારને ચૂકવ્યા છે.
આ ખર્ચ અંગે શરૂઆતમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફક્ત ખસીકરણનો ખર્ચ છે, પરંતુ બાદમાં સ્વીકાર્યું કે તેમાં રસીકરણનો ખર્ચ પણ સામેલ છે. તુલનાત્મક રીતે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ જ વર્ષમાં રસીકરણ અને ખસીકરણ મળી કુલ 1,658 કૂતરાઓ પર ફક્ત 16.19 લાખ રૂપિયા ખર્ચ્યા છે. એકસરખી પ્રક્રિયા હોવા છતાં વડોદરામાં ખર્ચ બમણો હોવાથી કામગીરીની પારદર્શિતા અને યોજનાની અસરકારકતા પર સવાલો ઊભા થયા છે.